ગાંધીનગરમાં રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ તથા મહાનગરોના કમિશનરોની સંયુકત પરિષદનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રજાહિત-જનકલ્યાણ કામોમાં પ્રજાભિમુખતાથી સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જનહિત કામોમાં બોનાફાઇડ ઇન્ટેનશનથી કોઇ ક્ષતિ કે ભૂલ થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે. મેલાફાઇડ ઇન્ટેનશન-ઇરાદાપૂર્વક કરેલી ભૂલ કે ખોટું કામ ચલાવી લેવાશે નહિ જ.
વિજયભાઇ રૂપાણીએ સરકારની ઇમેજ સ્વચ્છ-પારદર્શી સરકારની છે તે જળવાઇ રહે તેની તાકીદ કરતાં અધિકારીઓને જણાવ્યું કે, આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારની બદી સામે જંગ છેડવામાં આવશે. તેમણે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને કહ્યું કે, તેમના વિસ્તારોમાં ચાલતા વિકાસ સહિતના જનહિત કામોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા અઠવાડિયામાં બે દિવસ સાઇટ વિઝીટ કરી પ્રજા વચ્ચે રહી ફિડબેક મેળવવાથી યોગ્ય સુધાર જરૂર લાવી શકાશે.
મુખ્યમંત્રીએ જિલ્લાના આ વડાઓને પ્રેરણા આપતાં ઉમેર્યું કે, સાચી વ્યક્તિ, નાના માનવી કે ગરીબ, પીડિત શોષિત વંચિતને દુ:ખી થવું ન પડે, પોતાના કામ માટે કોઇને એક પાઇ પણ આપવી ન પડે તેવો પારદર્શી-સંવેદનશીલ અભિગમ જિલ્લા સ્તરના પ્રત્યેક અધિકારી પાસે અપેક્ષિત છે. મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે, આ પ્રકારની પરિષદ હવેથી દર ચાર મહિને યોજાશે અને વિવિધ યોજનાઓના વ્યાપક અમલીકરણ-લક્ષ્યાંક સિદ્ધિ પર ફોકસ કરાશે.
તેમણે ગુજરાત કેડરના આ સનદી અધિકારીઓની કાર્યદક્ષતા-કાર્ય સજ્જતાને બિરદાવતા જણાવ્યું કે, ગુડ ગવર્નન્સ ક્ષેત્રે તથા ઇઝ ઓફ ડુઇંગમાં ગુજરાતે જે શાખ-પ્રતિષ્ઠા મેળવ્યા છે તે આ અધિકારીઓ જાળવી રાખશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે જિલ્લા સ્તરે સરકાર એટલે કે કલેકટર અને ડી.ડી.ઓ. તેવી ઇમેજ છે તેને પોતાની કાર્યદક્ષતા, રીતભાત અને પ્રો-એકટિવ એપ્રોચથી સમસ્યાનું સમાધાન દ્વારા કલેકરટ-ડી.ડી.ઓ. વધુ ઉજ્જવળ બનાવે તેવું આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ સામાજિક વિસંવાદીતા વિખાઇ જાય તેવી ઉભી થઇ રહેલી સ્થિતિના નિવારણમાં કલેકટર-ડી.ડી.ઓ.-એસ.પી. ટીમવર્ક તરીકે કર્તવ્યરત રહી સમરસતા સાચવે તેવો અનુરોધ કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત કરવામાં આવેલા સી.એમ.ડેશબોર્ડ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલની વિશદ ભૂમિકા આપતાં સ્પષ્ટ કર્યું કે, રાજ્યના જિલ્લા-તાલુકા સ્તરથી લઇને સરકારના વિવિધ વિભાગોમાં સરકારની યોજનાઓના અમલીકરણ સિદ્ધિ અને પરફોમન્સનું નિયમિત પણે તેમના દ્વારા સ્વયં ઓન લાઇન મોનિટરીંગ કરવામાં આવે છે. આ મોનિટરીંગના આધારે નબળી કામગીરી અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સંબંધિત જિલ્લાઓને સૂચનાઓ અને મૂલ્યાંકન કરીને સર્વગ્રાહી વિકાસના ઇન્ટીકેટર્સમાં રાજ્યની સ્થિતિ વધુ ઉંચે લઇ જવાનો માર્ગ અપનાવ્યો છે, તેમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સરકારની સામાજિક ક્ષેત્રની યોજનાઓ ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ વગેરેમાં સુદ્રઢ કામગીરી પર ફોક્સ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પહેલી મેથી રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો આરંભ થઇ રહ્યો છે તેનું આગોતરૂ આયોજન કરીને આ અભિયાન દરમિયાન તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, નદીકાંઠા સફાઇ સહિતના કામોમાં સેવા સંગઠનો અને જન સહયોગ મેળવાય તે દિશામાં કાર્યરત થઇએ. ‘વિકાસનો આધાર જ પાણી અને જમીન છે’ તેવો મત વ્યક્ત કરતા વિજયભાઇ રૂપાણીએ જળ સંચય માટે જન જન પ્રેરિત થાય તેવા વાતાવરણ નિર્માણ માટે અપીલ કરી હતી.
મુખ્યસચિવ ડૉ. જે.એન.સિંઘ પ્રારંભમાં આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની વિવિધ ફલેગશીપ યોજનાઓ તેના નિર્ધારીત લક્ષ્યાંક મુજબ પૂર્ણ થાય તે માટે જિલ્લાના આ વહીવટી વડાઓ લીડ લે. તેમણે માતા-શિશુ મૃત્યુદરમાં ઘટાડો, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનામાં મહત્તમ યુવાઓને લાભ આપવો તેમજ શિક્ષણ, કુપોષણ વગેરે વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા સૂચન કર્યું હતું. ડૉ. સિંઘે સ્પષ્ટપણે તાકીદ કરી કે સરકાર લાંચરૂશ્વત-ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે પ્રતિબદ્ધ છે. જિલ્લાની કોઇપણ કચેરીમાં ક્યાંય કોઇ ભ્રષ્ટાચાર ન આચરે તેવી જડબેસલાક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
પાણી પુરવઠાના અગ્રસચિવ જે.પી.ગુપ્તાએ રાજ્યના જિલ્લાઓમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નર્મદા જળ અને અન્ય નદીઓના જળ પીવાના પાણીના ઉપયોગમાં લેવા યોગ્ય માઇક્રો પ્લાનીંગ અને વોટર રિસાયકલીંગ દ્વારા અસરકારક કરકસર યુક્ત જળ વપરાશ અંગે વિશદ સમજ પ્રેઝન્ટેશન સાથે આપી હતી.
જળસંપત્તિ સચિવ એમ.કે.જાદવે આગામી પહેલી મેથી એક માસ માટે યોજાનારા સુજલામ્ સુફલામ જળ સંચય અભિયાનમાં હાથ ધરવામાં આવનારા કામો, તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, નદી કાંઠાની સફાઇ, વૃક્ષોના વાવેતર તેમજ જળ સંચય-જળ રિચાર્જીંગમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સેવા સંગઠનો, વિવિધ સમાજ વર્ગોની ભૂમિકા અને માટી ઉપાડવાના કામોના ધારા-ધોરણો નીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પરિષદમાં મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમાર તથા મહેસુલ, પંચાયત, વન-પર્યાવરણ, ગૃહ સહિતના વિભાગોના અધિક મુખ્ય સચિવો-અગ્ર સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.