અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ હાલમાં થઈ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે જેથી ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હજુ હિમવર્ષા થઇ રહી છે જેની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. તંત્ર તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી નથી પરંતુ સામાન્ય લોકો ગરમ કપડામાં સજ્જ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. કોલ્ડવેવની સ્થિતિના કારણે વધુ ઠંડીનો અનુભવ લોકોને થનાર છે.
હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું.