સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં આવી ગયું છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહાર અને ટ્રેન સેવા પર સૌથી માઠી અસર થઇ છે. દિલ્હીમાં ૪૬ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. જ્યારે મોટી સંખ્યામાં ફ્લાઇટોમાં વિલંબ થતા પ્રવાસીઓ અટવાઇ ગયા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લઘુતમ તાપમાન ઘટીને ૬.૪ ડિગ્રી થયુ છે. ટ્રેન અને વિમાની સેવા ખોરવાઇ ગઇ છે. લોકપ્રિય પ્રવાસી સ્થળ મનાલીમાં પારો બે ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે.
હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમા વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે હવે લોકોની હાલત વધુને વધુ ખરાબ બની રહી છે. દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. એનસીઆરની સાથે સાથે રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણમાં અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસની ચાદર રહી હતી. કેટલાક રાજ્યોમાં સ્કુલ અને કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજુ વરસાદ પડવાની આગામી કરવામાં આવી છે. સ્કાઇમેટે માહિતી આપતા કહ્યુ છે કે મધ્ય ભારતમાં ઠંડીથી હાલમાં કોઇ રાહત મળનાર નથી. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે.
આજે શનિવારના દિવસે પણ દિલ્હી અને એનસીઆરમાં ધુમ્મસની ચાદર રહી હતી. સવારે માર્ગો ઉપર નિકળનાર લોકોને હેડલાઇટ ચલાવીને નિકળવાની ફરજ પડી હતી. ધુમ્મસના પરિણામ સ્વરુપે અનેક ટ્રેનોના સમયમાં અસર થઇ હતી. વિમાની સેવા પણ ખોરવાઈ હતી. દિલ્હી એરપોર્ટ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે દિલ્હી વિમાની મથકો ઉપર વિમાની સેવાને અસર થઇ છે. ગો એર દ્વારા માહિતી અપાઈ હતી કે, ફ્લાઇટ સેવાને અસર થઇ છે. વિમાની મથક ઉપર જતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ તરફ ધ્યાન આપવા માટે સૂચના આપવામાં આવી હતી.