હાલમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ અને અન્ય પક્ષો આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનનું આયોજન કરી રહ્યા છે અને એ મહાગઠબંધનના સહારે ભાજપને હરાવવાનું વિચારી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ લોકસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપ વિરુદ્ધ આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષો ભેગા મળીને મહાગઠબંધન બનાવે તેવી શક્યતા પર ભાજપ પ્રમુખે અમિત શાહે કહ્યું કે, ‘જો બધા જ વિપક્ષી દળો ભેગા થઈ પણ ગયા તો પણ 2019માં મોદીને હરાવી નહીં શકે.’ તાજેતરમાં વિપક્ષ દ્વારા સંસદમાં રાખવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવને લઈને તેઓએ કહ્યું કે, ‘300થી વધુ સાંસદોનું સમર્થન ધરાવતી NDA સરકાર વિપક્ષના આ ગતકડાને ખૂબ જ સરળતાથી લોકસભામાં પાર કરી જશે.’
અમિત શાહે કહ્યું કે, ‘આખરે અવિશ્વાસનો પ્રસ્તાવ આટલા સમય પછી કેમ લઈ આવવામાં આવ્યો. અમારી સરકાર આ પ્રસ્તાવનો સામનો કરવા માટે પૂર્ણરુપે તૈયાર છે. સંસદમાં નિયમોને આધીન થઈને વિચાર વિમર્શ થવો જોઈએ, નહીં કે સદનના કામકાજમાં વિઘ્ન ઉભા કરીને પોતાની મરજી પૂરી કરવા દબાણ. કોંગ્રેસ અને બીજી વિપક્ષો આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગઈ છે તે માટે સદનના કામકાજમાં બાધા ઉભી કરે છે.’
અમિત શાહે પીએમ મોદીના નેતૃત્વમાં પહેલીવાર ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપને મળેલી મોટી સફળતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘NDA ભારતમાં ખૂબ જ ઝડપી ગતીએ લોકોના દિલો પર છવાઈ રહ્યું છે. ત્યારે 2019માં લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ બીજી વખત પણ ભારતના સૌથી સબળ વડાપ્રધાન પર ભરોસો મુકવા માગે છે કે ચારેબાજુ ખેંચતાણવાળા ગઠબંધનને વોટ આપવા માગે છે.’ તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠકમાં ભાજપની તાકાત વધી હોવાનું માન્યું છે. અને અમારા બૂથ મેનેજમેન્ટના વખાણ કર્યા છે.’ તેમણે અંતમા કહ્યું કે, ‘કોંગ્રેસ સત્તામાં આવવાના સપના જોઈ રહી છે અને અમે ઇચ્છીએ છીએ કે તેઓ હંમેશા આ સપનું જોતા રહે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 2014 કરતા પણ વધુ મત સાથે વિજયી બનશે.’