કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે તથા CNG અને પાઇપથી મળતા રાંધણ ગેસના બેફામ ભાવ પર અંકુશ મૂકવા ટોચ મર્યાદા લાદી છે. તેનાથી સીએનજી અને પાઇપ્ડ રાંધણ ગેસ (PNG)ના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થશે અને મોંઘવારીમાં થોડી રાહત મળશે.આ ર્નિણય બાદ દિલ્હીમાં CNG કિંમત પ્રતિકિલોગ્રામ ૭૯.૫૬થી ઘટીને ૭૩.૫૯ થશે.
આ ઉપરાંત PNG ભાવ હજાર ક્યુબિક મીટર દીઠ ૫૩.૫૯થી ઘટીને ૪૭.૫૯ થશે. મુંબઈમાં સીએનજીના ભાવ કિલોગ્રામ દીઠ ૮૭થી ઘટીને ૭૯ થશે તથા પીએનજીના ભાવ શ્૫૪થી ઘટીને ૪૯ થશે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે APM ગેસ તરીકે ઓળખાતા જૂના ઓઇલ ફિલ્ડમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવ હવે ક્રૂડ ઓઇલના ભાવને આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી નેચરલ ગેસના ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોના ભાવને આધારે નક્કી કરવામાં આવતા હતા. પહેલી એપ્રિલથી APM ગેસના ભાવ ભારત આયાત કરે છે તેવા ક્રૂડ ઓઇલ (ઇન્ડિયન બાસ્કેટ)ના ભાવના ૧૦ ટકાના આધારે નિર્ધારિત કરાશે. આવા ભાવ પર મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ ૬.૫ ડોલરની ટોચની મર્યાદા રહેશે. હાલમાં ગેસના ભાવ પર mmBtu દીઠ ૮.૫૭ ડોલરની ટોચ મર્યાદા છે.
સરકારે આ ઉપરાંત તળિયાના ભાવ પણ નિર્ધારિત કર્યા છે, જે mmBtu દીઠ ૪ ડોલર રહેશે. નેચરલ ગેસના ભાવ હવે દર મહિને નિર્ધારિત કરવામાં આવશે. હાલમાં ભાવમાં દ્વિ-વાર્ષિક ધોરણે સુધારો કરવામાં આવે છે. ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળાને પગલે ઓગસ્ટ ૨૦૨૨ સુધીના એક વર્ષમાં પીએનજી અને સીએનજીના ભાવમાં આશરે ૮૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઇલના ઇન્ડિયન બાસ્કેટનો ભાવ હાલમાં બેરલદીઠ ૮૫ ડોલર છે અને આ ભાવના ૧૦ ટકાના ૮.૫ ડોલર થાય છે. જોકે સરકારે એપીએમ ગેસ પર ટોચની મર્યાદા લાદી હોવાથી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાને mmBtu દીઠ ૬.૫ ડોલરનો ભાવ મળશે.