લખનૌ : છત્તિસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ભાજપ તરફથી પ્રચારની જવાબદારી મુખ્ય રીતે સંભાળી લીધી છે. ઉત્તરપ્રદેશના બે અન્ય મોટા પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ તૈયારી દર્શાવી છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ તાકાત લગાવી છે. અમિત શાહ અને યોગી આદિત્યનાથે તમામ મોરચા પર ભાજપની જવાબદારી સંભાળી લીધી છે. છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે.
અહીં યોગીએ કુલ ૨૧ જનસભા કરી હતી. અહીં નરેન્દ્ર મોદીએ ચાર સભા કરી હતી. જ્યારે અમિત શાહે નવ રેલી કરી હતી. આ રીતે પ્રદેશના બહારના નેતાઓના મામલે યોગી સૌથી આગળ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ ૨૮મી નવેમ્બરના દિવસે મતદાનન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. અહીં મોદીએ ૧૦, અમિત શાહે ૨૫ અને યોગીએ આશરે ૧૫ જનસભા કરી હતી.યોગી ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ પ્રચારમાં ભાગ લીધો છે. રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. વડાપ્રધાન અહીં ૧૦ રેલી કરનાર છે. જે પૈકી અડધી રેલી થઇ ચુકી છે. યોગી હજુ સુધી ૧૭ સભા કરી ચુક્યા છે. રાજસ્થાનમાં નાથ સપ્રદાયનુ ખુબ પ્રભુત્વ છે. જેના સૌથી મોટા પ્રમુખ મઠ ગૌરક્ષપીઠના વડા તરીકે યોગી આદિત્યનાથ જ છે.
યોગીને મુખ્યપ્રધાન બન્યાને આશરે ૨૦ મહિનાનો ગાળો થયો છે પરંતુ તેઓ ઉત્તરથી લઇને પૂર્વોતર સુધી તે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પ્રચારક તરીકે ઉભરી આવ્યા છે. કેરળ, કર્ણાટક, ત્રિપુરા, સહિતના બીજા રાજ્યમાં યોગીનો જારદાર રીતે ઉપયોગ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં યોગી એવા એકમાત્ર મુખ્યપ્રધાન છે જેમની દક્ષિણ અને પૂર્વોતરના રાજ્યોમાં પણ અસર થાય છે. જેથી ચૂંટણી મોરચા પર તેમને સફળ રીતે ઉતારી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વધારે વ્યસ્ત છે ત્યારે યોગીએ મુખ્ય જવાબદારી સંભાળી લીધી છે.