શાહજહાપુર : લોકસભા ચુંટણીમાં રાજકીય પક્ષો દ્વારા હવે એકબીજા ઉપર પ્રહાર વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે શાહજહાપુરમાં જંગી સભા યોજી હતી. યોગીએ આ ગાળા દરમિયાન સમાજવાદી પાર્ટી પર તેજાબી પ્રહાર કર્યા હતા. યોગીએ કહ્યું હતું કે સુરેશ ખન્નાએ સમાજવાદી પાર્ટીના કામકાજના સંદર્ભમાં તેમને માહિતી આપી હતી. સુરેશ ખન્નાએ કહ્યું હતું કે કઈ રીતે તેઓ આતંકવાદીઓના કેસો પરત ખેંચી લેતા હતા. યોગી આદિત્યનાથે શાહજહાપુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર આવી ત્યારે સુરેશ ખન્નાને મંત્રી બનાવાયા હતા. તે વખતે તેઓએ કેબિનેટ મિટીંગ માટે કયા મુદ્દા હોવા જાઈએ તેને લઈને પ્રશ્ન કર્યો હતો.
તેઓએ પ્રશ્ન કર્યો હતો કે સમાજવાદી પાર્ટીની બેઠકોમાં કયા મુદ્દા લાવવામાં આવતા હતા. આના જવાબમાં સુરેશ ખન્નએ કહ્યું હતું કે તેઓ ત્રાસવાદીઓના કેસોને ખતમ કરવાના મુદ્દા જ ઉઠાવતા હતા. મોદીએ આજે કન્નોજમાં એક જનસભા દરમિયાન સપા અને બસપા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી જાતિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જેથી તેઓ આ મુદ્દા પર વાત કરી રહ્યા છે. મોદીએ પોતાની જાતિ અંગે પ્રશ્નો ઉઠાવનાર લોકો અને ખાસ કરીને માયાવતીને ઝાટકણી કાઢતા ક્યું હતું કે તેમની જાતિ એટલી નાની છે કે ગામોમાં એક બે મકાન હોય છે. મોદીએ કહ્યું હતું કે અતિ પછાત જાતિમાં તેઓ જન્મેલા છે. લોકસભા ચુંટણીમાં ચોથા તબક્કા માટે સોમવારના દિવસે મતદાન કરવામાં આવનાર છે ત્યારે જાતિવાદનો મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવી ગયો છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે પણ પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધારે બેઠકો રહેલી છે. છેલ્લી ચુંટણીમાં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ૮૦ પૈકીની ૭૨ સીટો જીતને ઈતિહાસ સર્જ્યો હતો. આ વખતે ભારતીય જનતા પાર્ટીને આટલી સીટો મળશે કે કેમ તેને લઈને રાજકીય પક્ષો અને નિષ્ણાતો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ યોગી આદિત્યનાથનો દાવો છે કે આ વખતની ચુંટણીમાં ગયા વખત કરતા પણ વધારે સીટો મળશે. યોગી આદિત્યનાથનું કહેવું છે કે મોદી દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ સાહસી પગલાં અને લોકકલ્યાણના નિર્ણયોના લીધે લોકોમાં ફરી એકવાર મોદી સરકારનો નારો ગુંજી રહ્યો છે. લોકો સંકલ્પ લઈ ચુક્યા છે. યોગી આદિત્યનાથ છેલ્લા ઘણા સમયથી ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ચુંટણી પંચ દ્વારા પગલાનો સામનો પણ કરી ચુક્યા છે. જેથી હાલમાં ખૂબ જ સાવચેતી નિવેદન વેળા રાખી રહ્યા છે.