લખનૌ : સોનભદ્ર જિલ્લામાં ૧૦ લોકોની ઘાતકી હત્યાના મામલામાં રાજનીતિ ગરમી પકડી રહી છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સમગ્ર વિવાદ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને વળતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વનવાસીઓની જમીનને એક સોસાયટીના નામ ઉપર કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે ૧૦ દિવસની અંદર અહેવાલ સોંપનાર છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સોનભદ્રની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ૧૯૫૫થી ૧૯૮૯ સુધી જમીન આદર્શ સોસાયટીના નામ ઉપર હતી.
૧૯૮૯માં આ જમીન એક વ્યક્તિના નામ ઉપર ચઢાવી દેવામાં આવી હતી. આદર્શ સોસાયટીના નામ ઉપર જમીન હોવા છતાં આદિવાસી ખેતી કરી રહ્યા હતા. કેટલાક લોકો ટેક્સ સોસાયટીને આપી રહ્યા હતા. જે લોકોએ આ જમીનને પોતાના નામ ઉપર કરી હતી તે લોકો જમીન પર કબજા કરી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, ૧૯૮૯માં આને અન્યને વેચી દેવામાં આવી હતી.
વનવાસી આ જમીન પર ખેતી કરતા રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણની જડ સુધી જવામાં આવે તો કોંગ્રેસની સરકારના ગાળા દરમિયાન ૧૯૫૫માં સ્થાનિક લોકોની જમીનને કબજે કરવા માટે ગ્રામ સમાજની જમીનને આદર્શ સોસાયટીના નામ ઉપર કરી દેવામાં આવી હતી ત્યારબાદ જમીનને ૧૯૮૯માં બિહારના એક આઈએએસના નામ ઉપર કરી દેવામાં આવી હતી.