પ્રધાનમંત્રીના નયાભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાશક્તિને રાષ્ટ્રહિતમાં દાયિત્વ નિભાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આહવાન કર્યું છે.
તેમણે પ૮મા ગુજરાત ગૌરવ દિવસે ભરૂચથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ પ૮મા ગુજરાત ગૌરવ દિવસે યુવાશક્તિને કુળશતા કૌશલ્યવર્ધનની તાલીમ સાથે ઉદ્યોગોમાં રોજગારી માટેની મહત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે આ સાથે એલએનજી-એલપીજી સહાય યોજના તેમજ આરોગ્ય સુખાકારીની યોજનાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ દેશમાં અત્યાર સુધી ગરીબ, પીડિત, અંત્યોદય અને બેરોજગાર યુવાઓ પ્રત્યે જે ઉપેક્ષા સવાઇ હતી તેની આકરી આલોચના કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારે ‘યુવાઓને કમાઇ, ગરીબોને દવાઇ અને બાળકોને પઢાઇ’ નો જે કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. તેના પરિણામે ગરીબના ઘરમાં ગેસના ચુલાઓ પહોંચ્યા છે. ગરીબમાં ગરીબને સસ્તી દવાઓ અને સૌને સરળ શિક્ષણ મળે છે.
વિજયભાઇ રૂપાણીએ યુવાનોને કામ મળે તે માટે તક મળે તેવા હેતુથી વ્યવસાય કૌશલ્ય સાથે એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરી છે, તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વાયબ્રન્ટ સમિટને પગલે ગુજરાતમાં સાણંદ, ધોલેરા, દહેજ સહિતના વિસ્તારો ઉદ્યોગોથી ધમધમતા થયા છે. આના પરિણામે રાજયના યુવાધનને રોજગારીની વ્યાપક તક મળી છે.
વિજયભાઇ રૂપાણીએ કહયું કે, હવે એપ્રેન્ટીસશીપ યોજના તહેત એક લાખ યુવાઓને સ્ટાઇપેન્ડ આપીને વધુ કૌશલ્યવાન બનાવવાના છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત ૨૦૦૨થી રોજગાર આપવામાં અવ્વલ છે, તાલીમ-રોજગાર વિભાગે વિવિધ ટ્રેડ દ્વારા પોણા બે લાખ યુવાઓને તાલીમયુક્ત બનાવ્યા છે.
ગુજરાતના યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયાને સાકાર કરવા રાજય સરકાર સંકલ્પબદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે ગરીબ-અંત્યોદય પરિવારોને રાહત દરે ગેસ કનેકશન પણ પ્રતિકરૂપે અર્પણ કર્યા હતા.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુનાખોરી રોકવા રૂા.૨૩૨ કરોડના ખર્ચે રાજયના ૩૩ જિલ્લાઓમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું છે. મુખ્યમંત્રીની રાહબરી હેઠળ રાજયમાં ૧૮ હજાર યુવાનોને પોલીસમાં ભરતી કરી છે. તેમણે અંકલેશ્વર ખાતે રૂપિયા સાડાત્રણ કરોડની થયેલી લૂંટને ટેકનોલોજીના માધ્યમ વડે ટૂંકા સમયમાં ગુનેગારોને પકડી, ચોરીની રકમ જપ્ત કરવા બદલ પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ સૌને આવકારી એપ્રિન્ટીસશીપ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પસંદગી પામેલા યુવાનોને રાજ્ય-કેન્દ્ર સરકાર રૂપિયા સાડા ચાર હજાર સ્ટાઇપેન્ડ આપશે. ઉદ્યોગ ગૃહો પણ યુવાનોને સ્ટાઇપેન્ડ આપશે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ રૂા.૩૦૦ કરોડની ફાળવણી કરી છે.