અમદાવાદઃ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા અને તાજી સ્થિતિ મેળવવા કાલુપુર ખાતે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન અને ગોમતીપુર મેટ્રો સ્ટેશન ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેકટની સમીક્ષા બાદ તા.૧ લી જાન્યુઆરી,૨૦૧૯થી શહેરમાં મેટ્રો રેલનો પ્રારંભ થશે તેવો આશાવાદ સેવ્યો હતો.
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. રૂ.૧૦,૭૦૦ કરોડના પ્રોજેક્ટનું પહેલા ચરણનું કામ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટની નીરીક્ષણ મુલાકાત લીધી હતી. આ ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો ૬.૫૦ કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે.
તેમણે આ મુલાકાત બાદ જણાવ્યું હતુ કે, આ કામગીરી અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલકતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછામાં ઓછી તકલીફ પડે, કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાળાઓને તેમણે સૂચના આપી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯માં મેટ્રો રેલની પ્રથમ પ્રાયોરિટી રિચ શરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે. પ્રથમ ફેઈઝ ૪૦ કી.મીનો છે તેમાં ૩૩.૫ કી.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને ૬.૫૦ કી.મી અન્ડર ગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી હતી. આ રૂટ પર ૩૨ સ્ટેશનો આવશે.
અમદાવાદ મહાનગરની ટ્રાફિક સમસ્યાના વિકલ્પરૂપે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે આ મેટ્રો પ્રોજેકટ મહત્વપૂર્ણ છે. ૨૦૧૯ ડિસેમ્બર સુધીમાં મેટ્રોના કામને ફુલ સ્પીડમાં આગળ ધપાવવાની મેટ્રો પ્રોજેક્ટની તૈયારીઓ વિષે પણ જાણકારી મેળવી હતી. ૧૦૭૦૦ કરોડ ના આ પ્રોજેક્ટ માં રૂ.૬ હજાર કરોડની લાન છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ૧૦ જેટલા રક્ષિત સ્મારકો આ રૂટ માં આવે છે તેની પણ જાળવણી સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્રની મંજૂરીઓ મળી ગઈ છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ પ્રચાર માધ્યમોને આપી હતી.
ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશન મલ્ટિપર્પઝ ઉપયોગમાં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહીં ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે. વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી લગભગ ૬.૪૦ કિલોમીટર લાંબી ટનલ બનશે. આ વિસ્તારમાં અપ અને ડાઉન ટ્રેનોના સંચાલન માટે બે ટનલ તૈયાર કરાશે. આ ટનલ બનાવવા માટે જર્મનીથી ટનલ બોરિંગ મશીનો મંગાવામાં આવ્યા છે. એપેરલ પાર્ક અત્યારે ૧૨૫ મીટર લાંબી ટનલ તૈયાર કરી દેવાઈ છે જ્યારે કાલુપુર ખાતે પણ ટનલની કામગીરી ચાલી રહી છે. આ ટનલ જમીનમાં ૧૭થી ૧૮ મીટર નીચે બનાવાઈ રહી છે.
ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ટનલ બનાવવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. આમ, અમદાવાદીઓને ૨૦૧૯ના નવા વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી મહિનાથી મેટ્રોની સફરની મોજ માણવા મળશે તેવી આશા આજે મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી, જેને લઇ નગરજનો પણ ભારે ઉત્સાહિત બન્યા હતા.