સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે મુલાકાત લઇ સંપૂર્ણ વિગતો મેળવી હતી.
અહીં નિર્માણ થનારા મ્યુઝિયમની પણ વિગતો તેમની સમક્ષ પ્રેઝેન્ટેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં સરદાર સાહેબના યુવાકાળ દરિમયાનની વિગતોથી લઇને અભ્યાસ, બેરિસ્ટરશીપ, મેન ઓફ એકશન, સત્યાગ્રહમાં તેમનું પદાર્પણ અને આઝાદીની ચળવળથી લઇ ભારતની સ્વતંત્રતા બાદ દેશી રજવાડાઓના વિલિનીકરણથી એક અખંડ ભારતના તેમના યોગદાનની સંપૂર્ણ વિગતો આ પ્રેઝેન્ટેશનમાં પ્રસ્તુત કરાઇ હતી.
સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ એસ.એસ. રાઠોરે બંધના નિર્માણની અને નહેરોના માળખાની પ્રગતિની સંપૂર્ણ વિગતો આપી હતી. તદઅનુસાર બંધનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. જ્યારે નહેર માળખામાં ૯૦ ટકા – ૧૬.૧૧ લાખ હેક્ટર અને ૭૨,૦૦૦ કિ.મી.ની લંબાઇના કામો પૂરા થઇ ગયા છે. અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા સબમાઇનોરમાં પાણી પહોંચાડવાના ૨૭૭૮૫ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે અને ૧૦.૫૦ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે.