રાફેલ ડિલ સંદર્ભે ચુકાદાથી મોદીની બેદાગ છાપ ઉજાગર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાફેલ સોદા અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે,આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારની બે-દાગ, સ્વચ્છ પ્રતિભા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે,કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ પાર્ટીએ રાફેલ સોદાને જે રીતે ચગાવી- બહેકાવીને ઉઠાવ્યો હતો અને આ સોદામાં ભારતીય જનતા પાર્ટીએ મોટું કૌભાંડ કર્યું હોય,તેવો જે અપપ્રચાર કર્યો હતો તેનો પરપોટો ફૂટી ગયો છે.

સુપ્રિમ કોર્ટના ચૂકાદા અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,રાહુલ ગાંધીએ હવે રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે, તેમણે જે સફેદ જૂઠ ચલાવ્યું તે અંગેની માહિતી તેઓ કયાંથી લાવ્યા હતા. રાહુલએ ભૂલવું ન જોઈએ કે કોંગ્રેસે જેટલા પણ સોદા કર્યાં એ સોદા નહીં ડિલ હતી અને બધામાં દલાલો-વચેટિયાઓ હતા. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડિલ કરીને વચેટિયા પ્રથા જ ખતમ કરી નાખી. શું આમા તમારા કોઈ મળતિયા કે કોઈ વચેટિયા રહી ગયા અને તેમની વકિલાત કરતા તમે આક્ષેપો કર્યાં કે શું ? તેવો વેધક સવાલ રૂપાણીએ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૦૭ થી ૨૦૧૪ સુધી દેશની સુરક્ષા જરૂરિયાત સંબંધિત બધા જ નિર્ણયોને લટકાવી રાખીને કોંગ્રેસની સોનિયા-મનમોહન સરકારે દેશની રાષ્ટટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તે માટે જવાબદાર કોણ તે તમારે દેશની જનતાને જણાવવું પડશે. વિજય રૂપાણીએ ઉમેર્યું કે, વર્ષ-૨૦૦૧માં એરફોર્સે એરક્રાફ્‌ટની જરૂરિયાત છે તેમ જણાવ્યું, વર્ષ-૨૦૦૭માં તમારી જ યુપીએ સરકારે ડીલની પ્રક્રિયા ફાઈનલ કરવાની શરૂઆત કરી તો, સાત-સાત વર્ષ કેમ લાગ્યા? શું કમિશનની રકમ ફિક્સ કરવામાં કંઈ બાકી રહી ગયું હતુ કે દલાલો નક્કી કરવાના બાકી હતા ? મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,રાહુલ ગાંધીને રાફેલ મામલે તેમણે કરેલા જુઠા આક્ષેપોનું સત્ય હવે દેશની જનતા સમક્ષ આવી ગયું છે ત્યારે,તેમણે પ્રધાનમંત્રી અને ભારતીય લશ્કરની માફી માંગવી જોઈએ. વિજય રૂપાણીએ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતમાં રાફેલ સોદા અંગે કોંગ્રેસે ચાર-ચાર યાચિકા દાખલ કરી પરંતુ ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે બહુ જ સ્પષ્ટતાપૂર્વક ઓપન કોર્ટમાં નિર્ણય કરીને બધી જ યાચિકા ખારીજ કરી નાખી છે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે, રાફેલ સોદામાં એરક્રાફ્‌ટની કિંમત અંગે જે સવાલો ઉઠાવાયા છે તે હકીકતે રાષ્ટ્ર માટે નાણાંકીય લાભ હતો, તે જયારે અદાલતે પણ સ્વંયસ્પષ્ટ કર્યું છે ત્યારે હવે તમે કયા મોઢે અમારી પર આક્ષેપો કરો છો ? મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર ચુંટણીઓ જીતવાની રાજનીતિ કરવામાં ખોટા અને બેબુનિયાદ આક્ષેપો કરીને તમે સત્તા હસ્તગત કરવાના મનસૂબા સેવો છો પણ સવાસો કરોડ દેશવાસીઓ કોંગ્રેસ પક્ષનું કૌભાંડ કલ્ચર સારી રીતે જાણે છે એટલે આવા બિન પાયાદાર આક્ષેપો કરીને સતા મેળવવાના કોંગ્રેસના સ્વપ્ન કયારેય સાકાર નહી થવા દે.

Share This Article