અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો માનવતાવાદી ચહેરો આજચે ફરી એકવાર સામે આવ્યો હતો. વાત જાણે એમ બની કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઇકાલેે સવારે ગાંધીનગરમાં હાઇવે પરથી પસાર પસાર થતાં હતા ત્યારે રસ્તામાં અકસ્માતગ્રસ્ત એક યુવતીને જોઈને તેમણે તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો હતો. એટલું જ નહી, યુવતીની હાલત અને સ્થિતિ જાણી તેને તાત્કાલિક પોતાના કાફલાની સ્પેર કારમાં બેસાડી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.મુખ્યમંત્રી રૂપાણીના આ માનવીય અભિગમને લઇ આજે રાજયભરમાં હકારાત્મક નોંધ અને ચર્ચા ચાલી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા, ત્યારે ગાંધીનગરના ઘ-૦ થી સરગાસણ પાસે એક ટુવ્હિલરને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો. ખુદ મુખ્યમંત્રી કારમાંથી નીચે ઉતર્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીની હાલત અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજાગ્રસ્ત યુવતીને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર નજીક તેમનો કાફલો પસાર થતો હતો ત્યારે અકસ્માતગ્રસ્ત કાર જોઈ તેમને પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને ઇજાગ્રસ્તો અંગે પૂછપરછ કરી હતી. આ પહેલા પણ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો કાફલો અટકાવી ઇજાગ્રસ્તોની મદદ કર્યાના દાખલાઓ પ્રકાશમાં આવ્યા છે. આમ, મુખ્યમંત્રીના માનવીય અને સંવેદનાભર્યા અભિગમને લઇ તેની ખૂબ હકારાત્મક નોંધ લેવાઇ હતી.