મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, બુધવાર ર૧મી માર્ચે આંતરરાષ્ટ્રિય વન દિવસ અવસરે બપોરે ૧ર કલાકે રાજ્યના નાગરિકો સાથે સેટકોમ વાર્તાલાપ કરશે.
યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન UNO દ્વારા ૧૯૭૧થી પ્રતિવર્ષ ર૧મી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષના આંતરરાષ્ટ્રિય વન દિવસની થીમ ‘ફોરેસ્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ગાંધીનગરના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ જીયો ઇન્ફરમેટીકસ એન્ડ સેટેલાઇટ કોમ્યુનિકેશન-બાયસેગ સ્ટુડિયોથી આ સંવાદ-વાર્તાલાપ કરવાના છે. મુખ્યમંત્રીનો આ પ્રજાસંવાદ વાર્તાલાપ બાયસેગ સેટેલાઇટ દ્વારા DTH વંદે ગુજરાત ચેનલ-૧ પરથી ગ્રામીણ કક્ષા સુધી જીવંત પ્રસારિત થવાનો છે.
ગુજરાતમાં શહેરી ક્ષેત્રોમાં વનીકરણ, ગ્રીન કવર અને પર્યાવરણ સુરક્ષા અંગેના રાજ્ય સરકારના અભિગમમાં મુખ્યમંત્રીશ્રી આ સેટકોમ વાર્તાલાપ દ્વારા જનભાગીદારી પ્રેરિત કરશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ગત વર્ષ આંતરરાષ્ટ્રિય વન દિવસના મુખ્યમંત્રીના પ્રજા સંવાદ-વાર્તાલાપમાં રાજ્યભરના લોકો બાયસેગ સેટેલાઇટ દ્વારા સહભાગી થયા હતા.