વ્યારા: આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત, પોલીસ આવાસનું ડિજીટલ લોકાર્પણ અને વ્યારા ખાતે મિંઢોળા નદી પર બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટનું લોકાર્પણ કરશે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ૧૨ હેકટર વિસ્તારમાં ફેલાયેલા તળાવને ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. હાલ આ તળાવમાં ૧૨.૯૬ એમસીએફટી પાણીનો સંગ્રહ થાય છે. તળાવ ઉંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં તળાવની સંગ્રહ શક્તિ ૧૪.૭૩ એમસીએફટી થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વ્યારા ખાતે પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા. ૨૫.૭૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૦૦ પોલીસ આવાસ, રૂા. ૪૦.૭૬ લાખના ખર્ચે નિર્મિત ડૉલવણ પોલીસ સ્ટેશન, અને રૂા. ૨.૯૬ કરોડના ખર્ચે વાલોડ ખાતેનવનિર્મિત પોલીસ સ્ટેશન, સી-૧ તથા બી-૧૮ કવાર્ટસ મળી રૂા. ૨૯.૧૬ કરોડના પોલીસ આવાસ નિગમના કામોનું મુખ્ય સ્ટેજ પરથી ડિજીટલ લોકાર્પણ કરવામાં આવશે.
વધુમાં વ્યારા ખાતેથી પસાર થતી મિંઢોળા નદી પર વ્યારા નગરપાલિકા દ્વારા રૂા. ૩.૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.