જેરૂસલામમાં ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત  

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પવિત્ર શહેર જેરૂસલામમાં ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતીયો માટે વિસામો-વિરામ સ્થાન-ગેસ્ટ હાઉસ એવા ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.

અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઇન્ડિયન હોસ્પિસનો ઇતિહાસ ૮૦૦ વર્ષ કરતા પણ વધુ સમયનો છે. ઇ.સ. ૧૨૦૦ થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સુફી સંત બાબા ફરીદએ જેરૂસલેમની પવિત્ર અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા-સાધના કરી હતી. ત્યાર બાદથી જેરૂસલેમ થઈને મક્કા જતા ભારતીય શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાથી બાબા ફરીદની યાદરૂપે  એક પવિત્ર ધર્મસ્થળ, ઇન્ડિયન હોસ્પિસ અસ્તિત્વમાં આવી.

આ ઇન્ડીયન હોસ્પિસ આજે પણ જેરૂસલામની પવિત્ર ભૂમિ પર આવનારા ભારતીયો માટે ૭૦૦૦ સ્કવેર મીટરની જગ્યામાં વિરામ સ્થાન તરીકે સેવારત છે. ઇ.સ. ૧૯ર૪થી આ ઇન્ડીયન હોસ્પિસનું સંચાલન-જાળવણી ભારતના ઉત્તરપ્રદેશના  સરહાનપૂરના અંસારી પરિવાર દ્વારા કરવામાં આવે છે.

હાલ આ સંચાલન મોહમદ મૂનિર નાઝીર અંસારી અને તેમના પત્ની કરી રહ્યા છે. તેમના દાદા-પરદાદા શૌકત અને મુહમદ અલી ભારતમાં મહાત્મા ગાંધીની અસહકાર ચળવળ સાથે શરૂ થયેલા ખિલાફત આંદોલનના પ્રણેતા હતા.

મોહમદ મૂનિર અન્સારીને તેમની આ સામૂદાયિક સેવાથી વિદેશની ધરતી પર ભારત દેશની અસામાન્ય સેવાઓ માટે ર૦૧૧માં પ્રવાસી ભારતીયનું સન્માન પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલું છે.

મુખ્યમંત્રીએ ગુજરાત ડેલિગેશન સાથે આ ઇન્ડીયન હોસ્પિસની મૂલાકાત લેતાં જેરૂસલામની ભૂમિ પર પાછલા અનેક દશકોથી ભારતીય સંસ્કાર, સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની પેઢી દર પેઢીથી સુપેરે સાચવણી અન્સારી પરિવારે કરી છે તે માટે અભિનંદન આપ્યા હતા.

તેમણે વિશ્વના કોઇ પણ ખૂણે વસતો ભારતીય પોતાની વતન ભૂમિના મૂલ્યો જાળવી રાખીને તે પ્રદેશના વિકાસ સાથે સકારાત્મકતાથી તાદાત્મ્ય સાધી લે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ અંસારી પરિવારે પુરૂં પાડયું છે એમ પણ જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ આ તકે ઇન્ડીયન હોસ્પિસમાં ૧રમી સદીમાં ૪૦ દિવસ સાધના કરનારા સૂફી સંત બાબા ફરીદીને પણ આદરાંજલિ પાઠવી હતી.

Share This Article