મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના છ દિવસીય પ્રવાસે જવા નવી દિલ્હી હવાઇ મથકે પહોચ્યા ત્યારે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત ડેનિયલ કાર્મોને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડેનિયલ કાર્મોને મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં કહ્યુ કે ઇઝરાયેલ મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાત જળ વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રમાં ઈઝરાઇલની ટેકનોલોજીના ઇનોવેશનના લાભ ગુજરાતના ખેડૂતો અને ખેતીવાડી ક્ષેત્રને મળે તે દિશામાં હકારાત્મક રીતે આગળ વધવા ઇચ્છુક છે. ગુજરાત અને ઈઝરાયલ વચ્ચે કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસીંગમાં વેલ્યુ એડીશનની સંભાવનાઓ અને રોકાણોના ફોલોઅપ માટે એક સંયુક્ત વર્કીંગ ગ્રુપ પણ રચી શકાય.
મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલના મંત્રીઓ, પદાધિકારીઓ તથા કૃષિ, જળ વ્યવસ્થાપન, ઇનોવેશન અને ઇન્ટરનલ સિક્યુરીટી તજજ્ઞો સાથે બેઠકો મૂલાકાતો કરશે તે ઇઝરાયેલ-ગુજરાત બન્ને માટે ફળદાયી રહેશે તેમ પણ ડેનિયલ કાર્મોને ઉમેર્યુ હતું.
ઇઝરાયેલી રાજદૂતે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ૨૦૧૭ની ઇઝરાયેલ યાત્રાના પ્રતિસાદ રૂપે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ભારત-ગુજરાત મૂલાકાતના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રીની આ યાત્રા વધુ ફળદાયી બનશે.
વર્ષ ૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ યાત્રા બાદ વિજયભાઇ રુપાણીની આ પ્રથમ ઇઝરાયેલ યાત્રા છે. અત્રે નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની ઈઝરાઇલ મુલાકાતનો હેતુ એગ્રીકલ્ચર સેકટરમાં કોલોબ્રેશનની તકો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની ટેકનોલોજી ટ્રાન્સફર સમજણ અને દરિયાના પાણીના મહત્તમ ઉપયોગ વપરાશના પાણી માટે કરવાની ડીસેલીનેશનની આધુનિક ટેકનોલોજીમાં વિસ્તૃત જાણકારી મેળવવાનો છે.
ઇઝરાઇલ ભૌગોલિક અને કુદરતી રીતે ખેતી થઇ શકે તેવું વાતાવરણ ન ધરાવતું હોવા છતાં એગ્રીકલ્ચરલ ટેકનોલોજીમાં વર્લ્ડ લીડર બન્યું છે અને તાજા ઉત્પાદનોનું મોટુ નિકાસકાર છે તે સંદર્ભમાં ગુજરાતમાં પણ આનો લાભ મેળવી શકાય તે હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ બનશે.