નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. રૂપાણીએ ઈનોવેટીવ અને પાથ બ્રેકીંગ ઈનિશિયેટીવ્સના કારણે છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતે સાધેલી પ્રગતિની જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં ભાગ લેતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ રાજ્ય સરકારે સુપેરે પહોંચાડ્યા છે.
આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, પાછલા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિઝિટની વૃદ્ધિ થઇ છે. રાજ્ય સરકારની જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી. જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતરના ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે. સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવત્તાની જાણકારી વ્યાપકરૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઇરીગેશન માટે સબસિડી પણ સરકાર આપે છે. સુક્ષ્મ સિંચાઇ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ૪૧ લાખ એકર કરતા વધુ ખેતીલાયક જમીનને લાભ આપવામાં આવ્યો છે.
સામાન્ય અને સીમાંત ખેડૂતોને 70 ટકા અને અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતોને 85 ટકા સુધી આર્થિક મદદ આપવામાં આવે છે. આ સાથે ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે કૃષિ ધિરાણ ઉપલબ્ધ કરાવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 4,900 કરોડના મૂલ્યની લગભગ 10 લાખ 75 હજાર મેટ્રિક ટન મગફળી, કપાસ, રાયડો, ચણા અને તુવેર દાળને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છે તે અંગે વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત ઈ-વે બીલ જનરેશનમાં દેશભરમાં અગ્રેસર છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ગુજરાત તેમના માતૃરાજ્ય તરીકે ભવ્ય રીતે મોટાપાયે ઉજવશે એમ તેમણે કહ્યું હતું કે અહિંસાના ફરિશ્તા ગાંધીજી સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓએ માળખાગત સુવિધાઓ વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતે બીજી ઓક્ટોબર, 2017ના દિવસે જ ઓપન ડેફિકેશન ફ્રી સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશબોર્ડ, પોકેટકોપ એપ, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ પેમેન્ટ, નમો ઈ-ટેબલેટ, નમો વાઈ-ફાઈ, જ્ઞાનકુંજ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ જેવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેની ઉપલબ્ધિ અંગે માહિતી આપી હતી.