મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણામા આજે ગ્રામ વિકાસના રૂ.૬૪૨ લાખના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ચણાકાના પીવાના પાણીની સુવિધા માટે ભેસાણથી ચણાકા સુધીની નર્મદા પાઇપલાઇન પહોંચાડવાના રૂ. ૭૨ લાખના તેમજ ગામમાં ઘરે-ઘરે નળ કનેક્શન આપી પીવાના પાણીની સુવિધા આપતા વાસ્મોના રૂ. ૭૫ લાખના કામોનું લોકાર્પણ કર્યું હતું. ચણાકા ખાતે જેટકો દ્વારા બનાવાયલા રૂ.૪૯૫ લાખના ૬૬ કે.વી. સબસ્ટેશનનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
આ તકે ગ્રામજનોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, માદરે વતન ચણાકાના ગ્રામજનોની સુવિધા વધે અને ગામ રળીયામણું બને તે માટે સૌ સાથે મળીને સ્વચ્છતાના સંકલ્પ સાથે આગળ વધીએ.
મુખ્યમંત્રીએ વધુંમાં કહ્યું કે, રાજ્ય સરકાર ગામડાઓને શહેરોમાં છે તેવી તમામ સુવિધા આપવા કટીબદ્ધ છે. રોડ, પાણી, સ્વચ્છતા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સવલત જેવી માળખાગત સુવિધા ગામડાઓમાં ઉભી થાય તે માટે રાજ્યસરકારે તમામ સ્તરે કામોને પરિપૂર્ણ કર્યા છે. ગ્રામ સુવિધાને ગુણવતાયુક્ત કરવા બજેટમાં પણ પુરતા ફંડની ફાળવણી કરી છે. હજુ જે કોઇ ગામોમાં એકાદ સુવિધા ન હોય તો તે સુવિધા પુરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત ઉજ્જવલા દિનની ઉજવણી કરી ચણાકા ગામની ત્રણ બહેનોને ગેસ કનેક્શનની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચણાકામાં વીજ કરંટથી અવસાન પામેલા સ્વ.જયેશભાઇ માંડલીયાના પત્નીને સહાય પેટે રૂ. ૪ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રભારી અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, પૂર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફીયા, અંજલીબેન રૂપાણી, જ્યોતીબેન વાછાણી અને સરપંચ ઉમેશભાઇ બાંભરોલીયા, ભુપતભાઇ ભાયાણી, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, ડી.ડી.ઓ. પ્રવીણ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.