ગુજરાતમાં વસતા વ્હોરા સમાજના લોકોએ તેમની આગવી પારંપરિક રીતભાતથી સમાજમાં આગવી ભાત પાડી છે વેપારી મનોવૃતિનો આ સમાજ શાંત, પ્રેમાળ અને માયાળુ સ્વભાવથી અન્ય સમાજમાં પણ પ્રતિપાત્ર બન્યો છે એમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
સુરત શહેરમાં આવેલી અલ જામિયા યુનિવર્સીટીની શરૂ થયેલી પરીક્ષાને અનુલક્ષીને વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબની સુરત મુલાકાત દરમિયાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી. આ વેળા તેમણે પરીક્ષામાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓ સાથે સંવાદ સાધતા અલ જામિયા યુનિવર્સીટીમાં આપવામાં આવતા શિક્ષણની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમાં માનવજીવનને ઉત્કૃષ્ઠ બનાવતા ધાર્મિક શિક્ષણની સાથે મૂલ્યનિષ્ઠ, મૂલ્યવર્ધક અને નૈતિક શિક્ષણ આપવામાં આવે છે જે આનંદની વાત છે એમ જણાવી તેમણે માનવ સહજ સ્વભાવની વાત કરતા જણાવ્યું હતું કે, નવું જાણવું અને શીખવું એ માનવસહજ સ્વભાવ છે જેને લઇને માનુષ્ય આજીવન વિદ્યાર્થી છે.
વેપારી મનોવૃતિના વ્હોરા સમાજે સમાજ, રાજય અને રાષ્ટ્રના શાંતિ, સલામતિ અને વિકાસમાં સહભાગી બની રાજય સરકારના સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો હોવાનું જણાવી તેમણે શાંત પ્રકૃતિનો આ સમાજમાં દુધમાં સાકર ભળે એમ અન્ય સમાજ સાથે ભળી ગયો છે.
તેમણે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નદીઓના શુદ્ધિકરણ થકી પર્યાવરણના શુદ્ધિકરણ અને જાળવણીના ભગીરથ કાર્યમાં ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને રાજયની પ્રજા જોડાય એવી અપેક્ષા વ્યકત કરી હતી.
વધુમાં તેમણે સૈયદના સાહેબને અવારનવાર રાજયની મુલાકાત લઇ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી તેમણે સૈયદના સાહેબ દ્વારા કરવામાં આવતી લોકકલ્યાણકારી પ્રવૃતિઓને પણ બિરદાવી હતી.