તાપીઃ તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્યમંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્યમંત્રીના હસ્તે રૂા .૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે.
વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃતિનું જનત થશે.
ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભક્તિ પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજય સરકાર સંકલ્પબદ્વ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના મહિસા બિરસા મુંડાને આદરાંજલિ આપી હતી. આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કૂરબાની આપી છે.
અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજયના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુ ગામો જાહેર કર્યા છે. હવે ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની, રાજય-રાષ્ટ્રમાં ભાગીદાર બનશે તેવી તેમ મુ્ખ્યમંત્રીએ વ્યકત કરી હતી.
આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨માં સાત એકલવ્ય મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર છે.
આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અંબાજીથી ઊમરગામ પૂર્વપટ્ટીમાં ૯૦ લાખ આદિવાસીઓના ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાગીદાર બન્યા છે. ગુજરાતમાં આદિવાસી પ્રત્યેની સંવેદના છે. હજ્જારો વર્ષથી પ્રકૃતિના પૂજકોની સંસ્કૃતિ, ઉત્સવ, જીવનશૈલીની અલગ છે. જેને ઊજાગર કરવાનો અવસર રાજય સરકારે પૂરો પાડયો છે. આદિવાસીઓએ દેશની રક્ષા માટે અંગ્રેજો અને મુગલો સામે શહીદી વ્હોરીરી છે. દેવમોગરા પરિસરનો રૂા.૧પ કરોડના ખર્ચે વિકાસ આ સરકારે કર્યો છે.
પેસા એકટનો ઉલ્લેખ કરીને આદિજાતિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગૌણ વન પેદાશના રૂા.૪૦ કરોડ આદિવાસીઓને આપશે. વન અધિકાર હેઠળ ૯૦ હજાર થી વધુ આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન આપી છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવનારા સામે કડકમાં કડક કાયદો દેશભરમાં પ્રથમ ગુજરાતે બનાવ્યો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ આ રાજય સરકાર કરી રહી છે.