ઉત્તરાખંડમાં શુક્રવાર સવારથી મૂશળધાર વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. દહેરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં શનિવારે પણ વાદળ ફાટ્યું સરખેત ગામના લોકોએ જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસની છે. સૂચના બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સાથે જ દહેરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે પણ ભારે વરસાદથી પૂર જેવા હાલાત થઈ ગયા છે. માલદેવતા પર બનેલો પુલ પણ ધોવાઈ ગયો છે.
રાયપુર બ્લોકમાં વાદળ ફાટ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી એસડીઆરએફની ટીમે જણાવ્યું કે ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે કેટલાક લોકોએ એક રિસોર્ટમાં શરણ લીધી છે. આ ઉપરાંત શુક્રવારથી વરસી રહેલા વરસાદના કારણે દહેરાદૂનના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિરની પાસે વહેતી તમસા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તમસા નદી હીલોળે ચડતા માતા વૈષ્ણો દેવી ગુફા યોગ મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિરનો સંપર્ક તૂટી ગયો છે. તળાવ પણ ક્ષતિગ્રસ્ત થયું છે. ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું કે ભગવાનની કૃપાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ સાથે જ જમ્મુ કાશ્મીરના રહેણાંક શહેર કટરામાં માતા વૈષ્ણો દેવી પાસે પણ ભારે વરસાદના કારણે અચાનક પૂર આવી ગયું. ભારે વરસાદ અને અચાનક પેદા થયેલી પૂરની સ્થિતિને જોતા માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની અવરજવર થોડા સમય માટે અટકાવી દેવાઈ. જો કે સવારે લગભગ ૭ વાગ્યાથી શ્રદ્ધાળુઓની અવરજવર ફરી શરૂ કરી દેવાઈ છે.