અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજુતી થવાની આશા વચ્ચે શેરબજારમાં જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ છે. સાથે સાથે દુનિયાના દેશોએ રાહત અનુભવી છે. શેરબજારમાં આવી અસર જોવા મળી હતી. ગઇકાલે આવા અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. માત્ર અમેરિકાના બજારોમાં જ નહીં બલ્કે એશિયન બજારોમાં જોરદાર તેજી રહી હતી. ચીન તરફથી આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જે બજારના ઉત્સાહને જોતા થોડાક પ્રમાણમાં આશ્ચર્ય લાગે છે.
જો કે અમેરિકી મિડિયાએ માહિતી આપતા કહ્યુ છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ આ સમજુતી પર હસ્તાક્ષર કરી ચુક્યા છે. માત્ર આને સત્તાવાર રૂપ આપવાની જરૂર દેખાઇ રહી છે. અમેરિકી સુત્રોએ એમ પણ કહ્યુ છે કે બંને દેશો વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ પર સમજુતી ગુરૂવારના દિવસે જ થઇ ગઇ હતી. આ હેઠળ ૧૬૦ અબજ ડોલરના ચાઇનીઝ આયાત પર ૧૫મી ડિસેમ્બરથી સુચિત અમેરિકી આયત ચાર્જ અથવા તો ડ્યુટી ટળી જશે. જે પેદાશો પર ડ્યુટી લાગુ કરવામાં આવનાર હતી તેમાં શુઝ, કમ્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને રમકડાનો સમાવેશ થાય છે. ચીનમાંથી આવનાર ચીજવસ્તુઓ પર પહેલાથીજ લાગી રહેલા ચાર્જ અને ડ્યુટીને પણ ઘટાડીને અડધા પ્રમાણમાં કરી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે.
ચીન આગામી વર્ષે અમેરિકા પાસેથી ૫૦ અબજ ડોલરના કૃષિ પેદાશો અને અન્ય વસ્તુઓ ખરીદવા પર સહમત થયુ છે. અમેરિકા અને ચીન વચ્ચે મંત્રણાનો દોર છેક ઓક્ટોબર મહિનાથી જારી રહ્યા બાદ હવે સહમતિ થઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે આ વર્ષના અંત સુધી પહેલા તબક્કામાં ડીલ થઇ શકે છે. જો કે વચ્ચે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધાભાસી નિવેદન પણ આવી રહ્યા હતા. જેના કારણે ચિંતા પણ વધી રહી હતી.
જો કે હવે સમજુતી થઇ ગઇ છે. બીજી બાજુ હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં હાલમાં મંદી પ્રવર્તી રહી છે. તેનુ એક કારણ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને લઇને વણસેલી સ્થિતીને પણ જવાબદાર ગણવામાં આવે છે. ટ્રેડ વોરને લઇે દોષ લોકો ટ્ર્મ્પ પર નાંખી રહ્યા હતા. આઇએમએફનો અંદાજ છે કે આયાત કરવેરાને હથિયાર તરીકે બનાવીને લડવામાં આવી રહેલી લડાઇને કારણે અમેરિકાના ગ્રોથમાં ૦.૬ ટકા અને ચીનના ગ્રોથમાં બે ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. ટ્રેડ વોરના પરિણામસ્વરૂપે ચીને અમેરિકા પાસેથી કૃષિ પેદાશો ખરીદવાનુ બંધ કરી દીધુ હતુ. અમેરિકી વાણિજ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં અમેરિકી કૃષિ નિકાસ ૨૫ અબજ ડોલરથી ઘટીને સાત અબજ ડોલર થઇ જતા અમેરિકાના સંબંધિત વિભાગમાં પણ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
છેલ્લા કેટલાક મહિનામાં ચીની વસ્તુઓની આયાત પર અમેરિકી કંપનીઓ સરકારને દર મહિને પાચં અબજ ડોલરની આયાત ડ્યુટી ચુકવે છે. આયાત ડ્યુટીમાં ૫૦ ટકા સુધી ઘટાડો થવાના કારણે કંપનીઓને દર મહિને ૨.૫ અબજ ડોલરની બચત થનાર છે.
જો કે બંને દેશોની વચ્ચે ટ્રેડ વોર ખતમ થવાના કારણે ભારતને પણ ફાયદો થનાર છે. અનિશ્ચિતા ખતમ થવાના કારણે રોકાણકારોમાં જોખમ લેવાની બાબત સતત વધી જશે. જો કે કેટલાક નિષ્ણાંત માને છે કે આ પ્રવાહની સ્થિતી પણ એ જ વખતે જોવા મળી શકે છે જ્યારે ખેંચતાણની સ્થિતી સંપૂર્ણ પણે ખતમ થઇ શકે છે. હાલમાં તો મડાગાંઠ રહેવાની સંભાવના દેખાઇ રહી છે. ચીન અને અમેરિકા માટે ટ્રેડ વોરની બાબત પ્રતિષ્ઠા માટેની લડાઇ પણ બની ગઇ છે.