વિધાનસભામાં આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપત વસાવાએ આપેલા જવાબને અર્ધસત્ય ગણાવી એકલવ્ય સંગઠને એવો દાવો રજૂ કર્યો કે, ગુજરાતમાં આદિવાસીઓએ રજૂ કરેલાં દાવાઓ પૈકી ૧.૦૧ લાખ દાવાઓ સરકાર મંજૂર જ કરતી નથી. રાજ્યમાં આદિવાસી ખેડૂતોને ૧૨૭૦૬૮ એકર જમીનના માત્ર અધિકારપત્ર અપાયા છે. એક ખેડૂત દીઠ સરેરાશ ૧.૫૭ એકર જમીન થાય છે.
વાસ્તવમાં ૧૦ એકર જમીનની મર્યાદામાં દાવો કરવામાં આવે છે. કાયદો ઘડાયાના ૧૦ વર્ષમાં માત્ર ૪૪ ટકા આદિવાસી ખેડૂતોને જમીનમાં ખેતી કરવાના અધિકારપત્ર અપાયા છે. ટૂંકમાં આદિવાસીઓએ કરેલા દાવાના માત્ર ૧૦ ટકા જમીન સરકારે આપી છે તેમ એકલવ્ય સંગઠનનો આક્ષેપ છે. ગુજરાતમાં ૧,૮૨,૮૬૯ વ્યક્તિ દાવા કરવામાં આવ્યા છે જે પૈકી ૮૧,૧૭૮ દાવા જ મંજૂર કરવામાં આવ્યા છે.અન્ય દાવા કેમ મંજૂર કરાયા નથી તેના કારણો ય સરકાર આપતી નથી.
રાજ્ય સરકારે ૧૦૮૧ સામૂહિક દાવાઓ પણ રદબાદલ કર્યા છે. નોંધ લેવા જેવી વાત તો એ છે કે, મોડાસા, ઇડર, વડાલી, માલપુરમાં તો આ કાયદાનો અમલમાં જ નથી. વન અધિકાર કાયદાના અમલ કરવામાં ગુજરાત દેશમાં નવમા ક્રમે રહ્યુ છે. એકલવ્ય સંગઠને માંગ કરી છે કે,આદિવાસીઓને અધિકારપત્ર નહીં, જમીનની સનદ આપવી જોઇએ.
આ ઉપરાંત મંત્રી ગણપત વસાવા એ વાતનો ખુલાસો કરે કે, ગુજરાતમાં કેટલા આદિવાસીઓને જંગલની જમીનની માલિકી આપવામાં આવી છે.