અમદાવાદ : સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રસિડેન્ટ ડોક્ટર યુવતીને શાહીબાગમાં રહેતા એકયુવક દ્વારા અવારનવાર અશ્લીલ ચેનચાળા સહિતની હરકતો દ્વારા અસહ્ય પજવણી અને ત્રાસ કરવામાં આવતાં મહિલા ડોકટરે આખરે સમગ્ર મામલે આરોપી યુવક વિરૂધ્ધ વધુ એક વખત શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, યુવક છેલ્લાં સાત વર્ષથી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ છે. પોલીસે આરોપી યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. થોડાક સમય પહેલાં યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી ત્યારે ગઇકાલે પણ તેની હરકતો ચાલુ રહેતાં વધુ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.
અસારવાની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી હતી. મૂળ ભૂજની અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાત વર્ષથી અભ્યાસ કરતી રેસિડેન્ટ ડોક્ટર યુવતી પહેલાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામે આવેલ ઢાબરાનગર સોસાયટીમાં રહેતી હતી. તે સમયે સોસાયટીમાં રહેતો રવીન્દ્ર પરસોતમભાઇ પરમાર યુવતીને અવારનવાર જોતો હતો અને તેનો પીછો કરતો હતો. રવીન્દ્ર તેના પ્રેમમાં એ હદે પાગલ થઇ ગયો હતો કે ઘરની દીવાલ પર તેમજ યુવતીના એક્ટિવા પર નામ લખીને જતો રહેતો હતો.
આ મામલે યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ પણ કરી હતી. ગઇકાલે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં યુવતી હતી તે સમયે રવીન્દ્ર હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને તેની સામે જોઇને બીભત્સ ઇશારા કરતો હતો. યુવતી રવીન્દ્રની હરકતથી કંટાળીને રૂમમાં જતી રહી હતી અને સાંજે તેના મંગેતર અને નણંદને જાણ કરી હતી. યુવતીના મંગેતરે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં તેણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરીને ફરિયાદ કરી હતી. શાહીબાગ પોલીસે રવીન્દ્ર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજીબાજુ, આ બનાવને લઇ સિવિલ હોÂસ્પટલ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે.