નાગરિક કાનુન : હવે બિહારમાં વ્યાપક હિંસા શરૂ, સઘન સુરક્ષા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નાગરિક સુધારા કાનુનને લઇને દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. એકપછી એક રાજ્ય હિંસાની આગના સકંજામાં આવી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા, પોલીસ ગોળીબારની ઘટનામાં હજુ સુધી ૧૫ લોકોના મોત થઇ ચુક્યા છે. સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે આસામમાં પાંચ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા તો હજારોમાં પહોંચી ચુકી છે. સાવચેતીના તમામ પગલા અને હિંસાને રોકવા માટે મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવા છતાં હિંસા જારી છે.

બિહારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી હિંસા વચ્ચે રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ આરજેડી દ્વારા આજે બંધની હાકલ કરવામાં આવી હતી. જે દરમિયાન હિંસા જારી રહી હતી. ટ્રેનોને રોકવામાં આવી હતી. ભાગલપુરમાં દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આશરે દોઢ કલાક સુધી હિંસા જારી રહી હતી. દરભંગામાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન નીતિશ કુમાર સામે પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. યુપીમાં પણ સ્કુલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

લખનૌમાં સ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બુલંદ શહેરમાં પણ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. વારાણસીમાં સ્થિતિ ને કાબૂમાં લેવા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ગોળીબારની ઘટનામાં આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. શાંતિપૂર્ણ દેખાવનો દોર છેલ્લા બે દિવસથી હિંસામાં ફેરવાઈ જતાં અફડાતફડી મચી ગઈ છે. સાથે સાથે અજંપાભરી સ્થિતિ ફેલાઈ ગઈ છે. કાનપુર, મુઝફ્ફરનગર સહિત ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાં આગ, પથ્થરબાજી અને ગોળીબારની ઘટનાઓ બની છે. નાગરિક કાનૂનને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં ૧૦થી વધુ મેટ્રો સ્ટેશનને આજે પણ બંધ રાખવામાં આવ્યા હતા. દિલ્હીગેટ, ચાવડી બજાર, જામા મસ્જિદ, જામિયા મિલિયા ઇસ્લામિયા, જાફરાબાદ, લાલ કિલ્લા, જાહરી એન્કલેવ, શિવવિહાર, દિલસાદ ગાર્ડનમાં પણ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. અયોધ્યામાં કલમ ૧૪૪નો ભંગ કરીને જુલુસ કાઢવામાં આવ્યા હતા. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જેથી તંગ સ્થિતિ રહી હતી. સબરજીત મંડીથી યુવાનો દેખાવો કરીને બહાર નિકળ્યા હતા. બહરાઈચમાં નમાઝ અદા કરવામાં આવ્યા બાદ લોકોએ પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. બચાવમાં પોલીસે ભીડ ઉપર ગોળીબાર અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ, અને સીઆરપીએફની તૈનાતી કરવામાં આવી છે. દિલ્હીમાં ગઇકાલે સાંજે પણ હિંસક દેખાવો થયા હતા. ઉત્તરપ્રદેશના ૨૧ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. દરભંગામાં દેખાવકારોએ વ્યાપક તોડફોડ કરી હતી. આરજેડીના કાર્યકરો આજે વ્યાપક હિંસા પર ઉતરી ગયા હતા. વિરોધ પ્રદર્શન જારી છે. દિલ્હીમાં હિંસાના કારણે ૧૫૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.

Share This Article