અમદાવાદ: એક તરફ શુક્રવારની સાંજે પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર ભૂવા પડતાં અને રસ્તા તૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગત ચોમાસાની જેમ આગામી દિવસોમાં શહેરના રસ્તાની હાલત વધુ કફોડી થવાની દહેશત ઊભી થઈ છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હોઈ પ્રજાની હાલાકીમાં વધારો થયો છે. જો કે, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સફાઇ કર્મચારીઓના હડતાળના વલણને વખોડી નાંખતા જણાવ્યું હતું કે, સફાઇ કર્મચારીઓને તંત્રને બ્લેકમેઇલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧ એપ્રિલ, ૨૦૧૮થી તંત્ર દ્વારા ૬૨૦૦ રોજિંદા સફાઈ કામદારને કાયમી કરાયા છે, પરંતુ તેમનું ફરજ દરમિયાન નિધન થાય તો તેમના એક વારસદારને નોકરી આપવી, તંત્રના જીડીઈએસટીમાં સહાયક શબ્દ કાઢીને કાયમી શબ્દનો ઉલ્લેખ કરવો, મુકાદમની ખાલી જગ્યા પર સિનિયોરિટીના આધારે સફાઈ કામદારની નિમણૂક કરવી, નગરપાલિકા અને ગ્રામ પંચાયત સમયના કાયમી થવા પાત્ર સફાઈ કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ ૧૬ માગણીઓ મુદ્દે અમ્યુકો તંત્ર અને સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય નહી લેવાતાં આજથી મ્યુનિસિપલ નોકરમંડળ સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી ગયા છે.
નોકરમંડળના પ્રમુખ દેવકરણ મકવાણા અને મહામંત્રી કલ્પેશ મકવાણાએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરના તમામ ૧૫ હજાર સફાઈ કર્મચારી હડતાળ પર ઊતર્યા છે. આજે બપોરે નોકરમંડળના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં તંત્ર સામેનાં ધરણાં, પ્રદર્શન સહિતના કાર્યક્રમો નક્કી કરાયા હતા. જોકે અમારી હડતાળ ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજની હડતાળમાં મેનહોલ કર્મચારી જોડાયા નથી તેવો દાવો એક અન્ય યુનિયનના અગ્રણી નરેશ પરમારે કર્યો છે. આ દરમિયાન મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નવા પશ્ચિમ ઝોન સિવાય શહેરભરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હોવાનો નિખાલસ એકરાર કર્યો હતો.