નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ પૂર્વાંતરના ત્રણ રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં સ્થિતી હજુ પણ વણસેલી છે. આસામમાં તો તમામ સ્કુલ અને કોલેજાને ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હોવા છતાં તેની અસર દેખાઇ નથી. પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી હોવા છતાં પણ સંચારબંધીનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારોએ ગઇકાલે મોડી રાત્રે યાત્રીઓથી ભરેલી એક ટ્રેનને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આસામમાં હિંસામાં બે લોકોના મોત થઇ ચુક્યા છે. અન્ય નવ લોકો ઘાયલ થયા છે. ડિબરૂગઢમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. મેગાલયમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. મેગાલય અને આસામમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.
દરમિયાન આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યુ છે કે રાજ્યમાં હિંસામાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને અન્ય સ્થાનિક સંગઠનોની સંડોવણી છે. મેંઘાલય અને આસામના કેટલાક ભાગોમાં સંચારબંધી જારી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અપીલ બાદ ત્રિપુરામાં દેખાવો ખતમ થઇ ગયા છે પરંતુ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. નાગરિક સુધારા બિલને લઇને જારી વિરોધ પ્રદર્શન અને વ્યાપક હિંસા વચ્ચે કાનુન અને વ્યવસ્થાની સ્થિતી વણસી રહી છે ત્યારે સ્થિતીને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સૈનાની બે ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. આસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે. ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે.
આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે. જારહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા છે.
પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આ જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત રહેલી સીઆરપીએફની ૧૦ કંપનીઓને આસામ મોકલી દેવામાં આવી છે.
આસામમાં હિંસા વચ્ચે પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ થયો છે. પોલીસ કમિશનરને દૂર કરવામાં આવ્યા છે. ગુવાહાટીમાં પોલીસ કમિશનર દિપકકુમારને દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મુન્નાપ્રસાદ ગુવાહાટીના નવા પોલીસ કમિશનર બન્યા છે. બીજી બાજુ આસામના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલને એડીજીપી (સીઆઈડી) તરીકે બદલી દેવામાં આવ્યા છે. ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓના આવાસ પર હુમલા કરાયા હતા.