વિશ્વઉમિયાધામ દ્વારા મહેસાણામાં મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ, 10,000 બહેનો જ્વારા યાત્રા સાથે નીકળી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ એવા જગતજનની મા ઉમિયાના રમ્ય-ભવ્ય-દિવ્ય અને દૈદિપ્યમાન મંદિરનુ નિર્માણ તેમજ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ સંસ્થાઓની શક્તિઓના સરવાળા થકી સંગઠીત, શિક્ષિત અને સંવેદનશીલ સમાજ નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યરત છે. ત્યારે જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધાર્યો છે. ત્યારે મંગળવારે મા ઉમિયા દિવ્યરથનું મહેસાણા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. જગત જનની મા ઉમિયાના રથનું વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર.પી.પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત મહેસાણા જીલ્લાના દાતા ટ્રસ્ટીશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મા ઉમિયાના રથ પ્રસ્થાન સમયે 10000થી વધુ બહેનોએ જ્વારા યાત્રા કાઢી હતી. ઉમિયા માત કી જયના જય ઘોષ સાથે મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું. રથ પરિભ્રમણ અંગે વાત કરતા સંસ્થા પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે મહેસાણા જિલ્લામાં જગત જનની મા ઉમિયાનો રથ 450થી વધુ ગામોમાં પરિભ્રમણ કરશે. 150થી વધુ દિવસ સુધી મહેસાણા જિલ્લામાં મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે. મહત્વનું છે કે રથ પ્રસ્થાન વખતની ધર્મસભામાં 15 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા.
Share This Article