કોટ્ટાયમઃ કેરળના કોટ્ટાયમમાં રેપના આરોપી ચાર પાદરી પૈકી બે દ્વારા કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લેવામાં આવી છે. જુલાઈ મહિનામાં સપાટી ઉપર આવેલા આ મામલામાં સ્થાનિક પોલીસે ચાર પાદરીની સામે રેપ અને છેડછાડનો કેસ દાખલ કર્યો હતો.
પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે પાદરીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને બ્લેકમેઇલિંગ પણ કરવામાં આવી રહી હતી. આત્મસમર્પણ કરી દેવા માટે પાદરીઓને કહેવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરીને આજે બે પાદરીઓ જેકે જ્યોર્જ અને સોની વર્ગીસે થિરવલ્લા જિલ્લાની સ્થાનિક કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી. મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે, આ પાદરીએ ચર્ચમાં ઇશ્વરની સમક્ષ પાપ સ્વીકાર કરવા માટે આવેલી મહિલા સાથે બાળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. આ પૈકી ત્રણ પાદરી તરફથી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. પતિની ફરિયાદના આધાર પર ચર્ચે તેમને ડ્યુટી પરથી દૂર કરી દીધા છે. આ સમગ્ર મામલામાં ચર્ચ તરફથી એક આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહ્યા છે જેમાં મહિલાના પતિ સમગ્ર ઘટનાના સંદર્ભમાં માહિતી આપતા નજરે પડે છે.
આ કેસમાં કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીઓ પૈકી એક પાદરીએ લગ્ન પહેલા જ તેની પત્નિની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લગ્ન બાદ પણ પાદરીએ સંબંધો જારી રાખ્યા હતા. આ સમગ્ર મામલાને લઇને હવે કાયદાકીય વળાંક આવ્યો છે. ઉંડી તપાસ ચાલી રહી છે. સાક્ષીઓની પુછપરછનો દોર હવે ઝડપથી શરૂ કરવામાં આવ્યો છે.