નવી દિલ્હી : વેસ્ટ ઈન્ડિઝના ધરખમ ખેલાડી ક્રિસ ગેઈલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડમાં યોજાનાર ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ ક્રિસ ગેઈલ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. ક્રિસ ગેઈલને હાલના સમયમાં સૌથી ધરખમ વન ડે ખેલાડી તરીકે ગણવામાં આવે છે. ક્રિસ ગેઈલ વેસ્ટ ઈન્ડિઝ ટીમની સાથે બાર્બાડોસમાં પ્રેકટીસ કરવા પહોંચ્યો હતો. જ્યાં પોતાના અભ્યાસથી પહેલા ક્રિસ ગેઈલે આ અંગેની જાહેરાત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અહીં ઈંગ્લેન્ડની સામે શરૂ થઈ રહેલી વન ડે શ્રેણીની તૈયારી કરી રહી છે.
ક્રિસ ગેઈલની પસંદગી પણ પ્રથમ બે મેચો માટે કરવામાં આવી ચુકી છે. ૩૯ વર્ષીય જમૈકાના આ ખેલાડી ક્રિસ ગેઈલે પોતાની કેરિયરમાં હજુ સુધી ૨૮૪ વન ડે મેચો રમી છે. તેના નામ ઉપર ૯૭૨૭ રન છે. આ રન ક્રિસ ગેઈલે ૩૭.૧૨ રનની સરેરાશ સાથે બનાયા છે. આ પાવર હિટર બેટ્સમેને પોતાની કેરિયરમાં ૨૩ સદી અને ૪૯ અડધી સદી ફટકારી છે. જમૈકાના આ ખેલાડીએ વન ડેમાં વ્યક્તિગત સ્કોરની વાત કરાય તો ૨૧૫ રન કર્યા છે.
ઝિમ્બાબ્વેની સામે ૨૦૧૫ના વર્લ્ડકપમાં કેનબેરામાં આ રન બનાવ્યા હતા. આ મેચમાં સેમ્યુઅલ સાથે મળીને ગેઈલે ૩૭૨ રનની ભાગીદારી કરી હતી. આ બેવડી સદી ફટકારનાર ગેઈલ હવે દુનિયાના એવા બેટ્સમેનોમાં છે જે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી, વન ડેમાં બેવડી સદી અને ટી-૨૦માં સદી ફટકારી છે. દુનિયામાં યુનિવર્સ બોસ તરીકે ઓળખ ધરાવનાર ક્રિસ ગેઈલે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં ૧૦૩ ટેસ્ટ મેચો, ૫૬ ટ્વેન્ટી મેચો રમી છે. વિશ્વના હાલના સૌથી આક્રમક ખેલાડી તરીકે તેની ઓળખ છે.