સુરેન્દ્રનગરઃ છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચોટીલા ખાતે સરકારી વિનિયન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું.
ચોટીલા ખાતે રૂપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી વિનિયન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં આજે શિક્ષણ અને પાણીની ભુખ જાગી છે, ત્યારે રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા શિક્ષણને લગતા કાર્યક્રમો યોજી શિક્ષણનું સ્તર ઉચું લાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે.
તેમણે આ તકે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ એ રાજય અને રાષ્ટ્રના વિકાસ માટે પાયાની જરૂરીયાત છે. રાજય સરકારે પાયાથી માંડી ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે પુરતું ધ્યાન આપ્યું છે. રાજય સરકારના અથાગ પ્રયાસોથી આજે ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શાળા નામાંકનમાં પણ સુધારો થવા પામેલ છે. શાળામાં જે બાળક રડતુ રડતુ જતુ હતું તેના સ્થાને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી બાળક હસતા હસતા ઉત્સાહભેર શાળાએ જતા થયા છે અને શાળા નામાંકન દર ૭૫ ટકાથી વધી ૯૯ ટકાએ પહોંચ્યું હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું. ચોટીલા વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ માટેની જે તક ઉપલબ્ધ થયેલ છે તેનો વિદ્યાર્થીઓ યોગ્ય લાભ ઉઠાવે તે જોવાની શિક્ષકો અને વાલીઓની પણ ફરજ છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.