ચિંતા ન થાય એવા અબોલા

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

  અનંત પટેલ

જેઠાણી સવિતા અને દેરાણી શાંતા વચ્ચે રોજ કંઇક ચક-મક થયા જ કરે. આવું જોઇ કોઇક બંનેનાં સાસુ સસરાને સમજાવે કે,-

“- આ બેમાંથી એક ને  જૂદી કાઢાંને, એટલે તમારે ય શાંતિ ને શાંતાડીને પણ શાંતિ મળી જાય—“

–“નહિતર પછી બે ય છોકારાઓને ગામમાં ઘર ભાડે લઇને જૂદાગરો આલી દો એટલે પત્યું…,તમારે ય રોજની માથાકૂટ મટે! “

કોઇ વળી સાસુમાને હળવેથી કહેતુ,–

“આ સવલી તો તમારે બહુ સીધી છે પણ જ્યારથી આ એની દેરાંણી શાંતા આઇ છે ને ત્યારથી બધી બાજી બગડી છ એટલે મારું માનો તો શાંતાને જ જૂદી ધકેલાં—“ પછીએ ઉમેરતાં

“જૂદાં રહેશે ને એટલે ખબર પડશે કે ચેટલી વીશે મણ થાય છે ? આ તો હાહુ–હાહરાના ભેગાં છ એટલે હિસાબ -બિસાબ તો કાઇ જોવાનો નંઇ ને મનફાવે એમ વાપરતાં જ આવડ્યું છ— !!!! “

પૂંજા પટેલના બે દીકરા, એક શિવો ને બીજો નાનો પ્રેમો. બે ય દીકરા બહુ ડાયા, પૂંજા પટેલનું બોલેલુ ક્યારે ય ઉથાપે નહિ, પણ એમની વહુઓના સ્વભાવ જરા વિચિત્ર, એમાંય નાના પેમાની વહુ શાંતા જરા તોછડા સ્વભાવની. બોલવાનું ભાન રાખે નહિ ને પછી ખબર પડે કે કશુંક કાચુ કપાયુ છે તો પાછી ફટ કરતીક માફી ય માગી લે ! મનમાં કાઇ પાપ જેવું નહિ. તેવું જ જેઠાણી સવિતાનું. પરણી ને પહેલી આવેલી એટલે એનાં સાસુ દયા ડોશીના એના પર ચાર હાથ. શરુમાં તો એને ય સાસુ જોડે કાઠુ પડતુ. પણ પછી એ ટેવાઇ ગયેલી. સ્ત્રી જો લગ્નપછી એના જીવનમાં આવનારી બીજી સ્ત્રીઓ સાથે ચલાવી લેતાં શીખી જાય તો એકેય ઘરમાં જરીય ક જીયો કે કંકાસ જોવા મળે નહિ !

–દેરાણીના આવ્યા પછી દયા ડોશીએ અગમચેતી વાપરીને બે ય જણને કામની વ્હેંચણી કરી દીધેલી, એટલે કોઇને કંઇ ડખો થાય જ નહિ. તે છતાંય રોજ રાત પડે ને ઉંઘતાં ઉંઘતાંમાં જ શાંતા દેરાણીને કંઇક વાકું પડી જ જાય! એક દિવસ તો પૂંજા પટેલ અને દયા ડોશીએ કંટાળીને બે ય દીકરા ને વહુઓને તેમની પાસે બોલાવ્યાં અને પૂંજા પટેલે પોતાની ઇચ્છા જાહેર કરી-

“ભૈ જૂવો, આપણા મોટા ઘરમાં રોજ બૈરાં લડાલડ કરે એ મને કે તમારી બાને જરાય ગમતું નથી એટલે તમે બેય જણા મારાથી જૂદા થઇ જાવ, તમારે જેને બોલાવવા હોય એમને બોલાઇ લો એટલે એમની રુબરુ ખુલાસો થઇ જાય….

આ સાંભળી શિવો અને પ્રેમજી તો કાંઇ બોલ્યા નહિ પણ શાંતા બોલી,—

“ બાપા, મારા ને મારી જેઠાણી વચ્ચેના ઝઘડાની તમે નક્કામી ચિંતા કરો છો અમે તો હવારે બોલીએ ને રાત્રે પાછાં ભેગાં, કાં તો રાત્રે રિસઇ જઇએ તો હવારે ભેગાં બેહીને જ દાતણ કરીએ છીએ-“

પછી  જેઠાણી તરફ જોઇને એ બોલી,

“બોલાં ને  ભાભી, મારી વાત ખોટી છ ક ખરી છ ?”

આ સાંભળીને સવિતા ય બોલી ઉઠી,

“હા, બા અમારા ઝઘડા તો એવા છે કે અબી બોલા અબીફોક, એટલે તમે ભલે સલાહ આલાં પણ અમારે કાંઇ જૂદા રહેવું નથી, મને તો જૂદુ રહેવાનું બે દા”ડા હારુ લાગે પણ પછી જરાય ફાવતું નથી હોં…

આ સંવાદ સાંભળી રહેલા શિવાને જાણે કોઇ જૂની વાત યાદ આવી હોય તેમ એ બાપુજીને સંબોધીને બોલ્યો,

“બાપા તમને ખબર છે મારા મગન દાદા અને પેલાં બહારનાં ઘરાંમાં રહેતા આપણા કુટુંબી છગન દાદા એવા ઝઘડેલા કે ઝઘડીને તેમણે આખી જિંદગી અબોલા રાખેલા, ને મરવાની ઘડી આવી ત્યારે કેવું રોવા બેઠેલા અને પોતાના ઝઘડાનો કેવો પસ્તાવો કરતા હતા? એટલે હું તો કહું છું કે આ બૈરાંના ઝઘડા થોડીવારના જ છે એટલે  એની ચિંતા ના કરશો એ તો હું ને પેમો બે ય જણા ધ્યાંન રાખશું બસ….”

આ આંભળી પૂંજા પટેલને તેમના પિતાજીએ તેમના કાકા સાથે ઝઘડા પછી લીધેલા અબોલા યાદ આવ્યા અને મરણ પથારીએ તેમને અબોલાનો જે વસવસો થયેલો તે પણ યાદ આવી ગયુ. તેમને થયું  કે પુરુષો મારા બેટા આમ તો ઝઘડે નહિ ને ઝઘડે તો પછી જીવન ભરના અબોલા લઇ લે એના કરતાં તો આ બઇરાંની નાંની – નાંની ચક મક હારી…. ઇમાં  ય એ રાજી હોય તો આપણે શું કામ ચિંતા કરવી, રાત્રે આ જ વાત તેમણે દયા ડોશીને પણ સમજાવી દીધી…

Share This Article