ચિન્મયાનંદ કેસ : પિડિતાને શોધવામાં સાત ટીમો લાગી 

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શાહજહાપુર : પૂર્વ કેન્દ્રિય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ પર જાતિય શોષણના આરોપો કરવામાં આવ્યા બાદ રહસ્યમય રીતે લાપતા થયેલી યુવતિની વ્યાપક શોધખોળ કરવામાં આવી રહી છે. તેની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશ પોલીસની જુદી જુદી ટીમો વ્યાપક તપાસ કરી રહી છે. પોલીસની ટીમો પિડિતાની શોધમાં જુદા જુદા સ્થળો પર દરોડા પણ પાડી રહી છે. જો કે હજુ સુધી તેની કોઇ ભાળ મળી શકી નથી.

બીજી બાજુ આ યુવતિના પોસ્ટર પણ જારી કરવામાં આવ્યા છે. શાહજહાપુર પોલીસે પૂર્વ પ્રધાનની સામે ધમકી અને અપહરણના અપરાધની જુદી જુદી કલમ ઉમેરીને કેસ દાખલ કરી દીધો છે. યુવતિના પરિવારના સભ્યોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ૨૩ વર્ષીય યુવતિ ચિન્મયાનંદની કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વકાલાતમાં તે અભ્યાસ કરી રહી હતી. ૨૩મી ઓગષ્ટના દિવસે આ યુવતિએ પોતાના સોશિયલ મિડિયા  એકાઉન્ટ પર એક વિડિયો જારી કરીને ચિન્મયાનંદ પર ગંભીર પ્રકારના આરોપો મુકી દીધા હતા. ત્યારબાદ આ યુવતિ લાપતા થઇ ગઇ હતી. જ્યારે સમગ્ર મામલો મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે પોલીસે કેસ દાખલ કર્યો હતો. યુવતિના પિતાએ પોતાની ફરિયાદ ઉત્તરપ્રદેશ સરકારના પોર્ટલ પર અપલોડ કરી હતી. પરિવારે યુવતિને ગાયબ કરાવી દેવાનો ચિન્મયાનંદ પર આક્ષેપ કર્યો હતો. ગુરૂવારના દિવસે પોલીસે એક સંદેશ જારી કર્યો હતો.

આ સંદેશમાં સામાન્ય જનતાને યુવતિ સાથે સંબંધિત કોઇ પણ પ્રકારની માહિતી હોવાની સ્થિતીમાં કોતવાલી એસએચઓનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. પૂર્વ પ્રધાને જ્યારે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમના કાયદાકીય સલાહકારે કહ્યુ છે કે ચિન્મયાનંદ મૌન વ્રત કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી કોઇ નિવેદન કરનાર નથી. તેમના મૌન વ્રતની પુર્ણાહુતિ બાદ તેઓ શાહજહાપુર આવશે. બુધવારના દિવસે ચિન્મયાનંદ હરિદ્ધારના એક આશ્રમમાં નજરે પડ્યા હતા.

અહીં કેટલાક પત્રકારોએ તેમની સાથે વાતચીત કરવા માટેના પ્રયાસ કર્યા હતા. જો કે ચિન્મયાનંદ સ્વામીએ કોઇ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે મોડેથી તેમને કહ્યુ હતુ કે તેમની સામે કોઇ કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. એએસપી સિટી દિનેશ ત્રિપાઠીએ કહ્યુ હતુ કે પોલીસે વિદ્યાર્થીનિનો પોસ્ટર જારી કરી દીધો  છે. બીજી બાજુ પોલીસે તમામ ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી દીધા છે. વિદ્યાર્થીની અંગે માહિતી મેળવી લેવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચિન્મયાનંદની સામે હજુ સુધી કોઇ સમન્સ કે ધરપકડ કરવા માટે કોઇ પગલા કેમ લેવામાં આવ્યા નથી તે અંગે પુછવામાં આવતા પોલીસે કહ્યુ હતુ કે અમારી પ્રથમ પ્રાથમિકતા વિદ્યાર્થીનિની શોધખોળ કરવાની રહેલી છે. એક વખતે તેમની સામે પુરાવા આવી જશે ત્યારે જ તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજી બાજુ વિદ્યાર્થીનીના પિતાએ કહ્યુ છે કે તેઓ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ દેખાતા નથી.

Share This Article