લડાખ: પૂર્વીય લડાખના ડેમચોક સેક્ટરમાં ભારતીય સરહદમાંથી ચીની સેનિકો પરત ફર્યા છે સાથે સાથે પોતાના ટેન્ટ પણ દુર કરી લીધા છે. ચીની સેનિકોએ પોતાના પાંચ ટેન્ટ દુર કરી લેતા તંગદીલી દુર થઇ છે.
એમ માનવામાં આવે છે કે ચીનના સંરક્ષણ પ્રધાન આગામી સપ્તાહમાં ભારત આવી શકે છે. ૪૦૫૭ કિલોમીટર લાંબી સરહદ પર ચીને વારંવાર અતિક્રમક કરવાની ગતિવિધી જારી રાખી છે. હવે ફરી એકવાર ઘુસણખોરી કરી હતી. જો કે ચીની સૈનિકો હવે પરત ફર્યા છે. અતિક્રમણના આ પ્રયાસો વચ્ચે તંગદિલી અકબંધ રહી છે. આના ભાગરુપે જ ગયા મહિનાના પૂર્વીય લડાકના ડેમચોક સેક્ટરમાં ચીની સૈનિકોએ અતિક્રમણ કરીને ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી. આ લોકો ૩૦૦થી ૪૦૦મીટર સુધી અંદર ઘુસી ગયા હતા અને ટેન્ટ લગાવી દીધા હતા.
બંને દેશોની સેનાના અધિકારીઓ વચ્ચે બેઠક થયા બાદ ચીની સૈનિકોએ તેમના ટેન્ટ દુર કરી લીધા હતા. ચેરડોંગ-નેરલોગ નલ્લા વિસ્તારમાં તેમના ટેન્ટ દુર કરી દેવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે એક વર્ષ અગાઉ ડોકલામમાં પણ આવી સ્થિતી સર્જાઇ હતી. મહિનાઓ સુધી ભારત અને ચીની સૈનિકો આમને-સામને રહ્યા હતા. આ સમગ્ર મામલે ભારત અને ચીની સૈનિકો સામ સામે રહ્યા છે. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીના જવાનોએ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઘુસણખોરી કરી હતી. આ લોકોએ વેશભૂષા બદલીને ઘુસણખોરી કરી હતી. ભારતીય જવાનોની વારંવારની રજૂઆત છતાં પરત ફર્યા ન હતા.
એલઓસી પર ખેંચતાણને રોકવા માટે આવી સ્થિતિમાં બેનર ડ્રીલની જોગવાઈ રહેલી છે જેના ભાગરુપે બંને પક્ષો પોતપોતાના ક્ષેત્રમાં પરત ફરે છે. ભારતે જ્યારે બ્રિગેડિયર સ્તરની વાતચીત કરી ત્યારે ત્રણ ટેન્ટ હટાવી દેવામાં આવ્યા હતા. હવે બાકીના બે ટેન્ટ પણ હટાવી લીધા છે અને તેમના તમામ પાંચ ટેન્ટ દુર કરવામાં આવ્યા છે.