આર્થિક સંકટના કારણે તાજેતરમાં ભારતના પાડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ બદતર બની છે. ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન રાનિલ વિક્રમસિંઘેએ દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ભારતનો વધુ એક પાડોશી દેશ આર્થિક સંકટ તરફ ધસી રહ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ચીનના ઘણા મોટા ઉત્પાદન કેન્દ્રોમાં લાંબા સમય સુધી લૉકડાઉન હટાવ્યા પછી પણ જુલાઈ મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં તેજી આવી ન હતી. રવિવારે પ્રકાશિત થયેલા એક સર્વે રિપોર્ટમાં ચીનના મેન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપ વિશે અસંતોષકારક સ્થિતિ સામે આવી છે.
ચીનની સત્તાવાર આંકડાકીય એજન્સી અને ઉદ્યોગ જૂથ ચાઇના ફેડરેશન ઑફ લોજિસ્ટિક્સ એન્ડ પરચેઝિંગના આ અહેવાલ મુજબ, વૈશ્વિક માંગ અને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટેના કડક પગલાંને કારણે જુલાઈમાં ઉત્પાદન પ્રવૃત્તિ સુસ્ત રહી છે. આ સિવાય નવા ઓર્ડર, નિકાસ અને રોજગારના મોરચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિ ધીમી પડી રહી હોવાનું જણાય છે. છેલ્લા બે દાયકામાં વિશ્વના ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહેલા ચીનની અર્થવ્યવસ્થા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. અર્થશાસ્ત્રી ઝાંગ લિક્યુને કહ્યું કે મેન્યુફેક્ચરિંગ પર ભારે દબાણ છે. રોગચાળાની અસર હજુ પણ જોવા મળી રહી છે. ઘટતી ઉત્પાદન પ્રવૃત્તિઓની સીધી અસર રોજગારીની તકોમાં ઘટાડા સ્વરૂપે આવી શકે છે.
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ આ વર્ષના આર્થિક વિકાસના ૫.૫ ટકાના લક્ષ્ય વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે કારણ કે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ધીમી પડી છે. હવે તેઓ કોઈ નક્કર આંકડાને બદલે મહત્તમ શક્ય પરિણામ મેળવવાની વાત કરી રહ્યા છે.
ચીનની ૧૭.૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં રિયલ એસ્ટેટનો એક તૃતીયાંશ ભાગનો ફાળો છે પરંતુ ચીનની બેંકમાં મોટાભાગનું દેવું આ ક્ષેત્રની કંપનીઓને વહેંચવામાં આવે છે. ગયા વર્ષે ચાઇનીઝ પ્રોપર્ટી ડેવલપર રિયલ એસ્ટેટ ગ્રૂપ એવરગ્રાન્ડ ગ્રુપ લોનમાં ડિફોલ્ટ થયું હતું. તેનાથી અહીંની અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે. દેશમાં રોકડની તંગી વચ્ચે એવરગ્રાન્ડ ગ્રૂપના શેરમાં ઘટાડો થયો હતો.પરિણામે ચીનમાં રોકાણમાં ઘટાડો થયો હતો.