બેજિંગ : ચીનના શાંઘાઈમાં રિયલ એસ્ટેટ ડેવલોપર તરીકે કામ કરનાર ચંદ તિયનયાંગે ગયા મહિને ફ્લાઇટમાં બેસીને માલ્તા પહોંચી ગયા હતા. નજીકના ભવિષ્યમાં પરત ફરવાને લઇને તેમની કોઇ યોજના નથી. ઉતરાણ કર્યા બાદ પૂર્વ જજ અને વકીલ ચને સોશિયલ મિડિયા ઉપર ૨૮ પાનાનો એક લેખ લખીને વિસ્તારપૂર્વક કહ્યું છે કે, ચીન છોડવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ચીનની અર્થવ્યવસ્થા એવા મોટા જહાજ તરીકે છે જે ડુબવાની તૈયારીમાં છે. મૂળભૂત પરિવર્તનો સિવાય ચીનનું અર્થતંત્રનું જહાજ ડુબવાની બાબત નક્કી છે અને તેમાં રહેલા પેસેન્જરોના મોત પણ નિશ્ચિત છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, ડુબી રહેલા જહાજ પરથી નિકળી જવાની બાબત વધારે બુદ્ધિમાનીની બાબત છે.
ચીનનું અર્થતંત્ર છેલ્લા ૨૮ વર્ષની સૌથી નીચી સપાટી ઉપર છે. પોતાના તમામ મિત્રો અને શુભેચ્છકોને વહેલીતકે ચીન છોડી દેવા માટે આમા અપીલ કરવામાં આવી છે. ચીનના સેન્સર્ડ ઇન્ટરનેટથી ગાયબ થતા પહેલા કેટલા લોકોએ આ લેખ જાયો છે તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ ચને સાર્વજનિકરીતે એજ બાબતો કહી છે જે મોટાભાગના કારોબારી ચીનમાં અંગતરીતે કરતા રહે છે. ચીનના નેતૃત્વ દ્વારા દુનિયાના બીજા સૌથી મોટા અર્થતંત્રને ખોટીરીતે ચલાવવામાં આવ્યું છે. ચીનના કારોબારીઓ દેશના ભવિષ્યને લઇને વિશ્વાસ ગુમાવી રહ્યા છે. ચીનનું અર્થતંત્ર ધીમુ પડી રહ્યું છે.
અમેરિકાની સાથે ટ્રેડવોરના લીધે વિકાસની ગતિ અટવાઈ છે. કારોબારી મુખ્યરીતે આ બાબતને લઇને ચિંતિત છે કે, ચીન જરૂર કરતા વધારે આર્થિક અને રાજકીય સુધારા લાગૂ કરવા તૈયાર નથી. સી જિંગપિંગે ૨૦૧૨માં કોમ્યુનિસ્ટ પાર્ટી પર અંકુશ મેળવી લીધા બાદ પાર્ટીએ ચીની સમાજના દરેક પાસા ઉપર પ્રભુત્વ વધારી દીધું છે. એક નવેસરના સર્વે મુજબ ચીનમાં માત્ર એક તૃતિયાંશ લોકો કહે છે કે, તેઓ ચીનના આર્થિક દ્રષ્ટિકોણને લઇને આશાવાદી છે. બે વર્ષ પહેલા બે તૃતિયાંશ લોકો કહેતા હતા કે તેમનામાં વિશ્વાસ છે. સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવી ચુકેલા લોકોની સંખ્યા ૨૦૧૮ની સરખામણીમાં બે ગણી થઇ છે. હવે આશરે ૧૪ ટકા લોકો આ શ્રેણીમાં આવ્યા છે.
અડધાથી વધુ લોકો કહી રહ્યા છે કે તેઓ બીજા દેશમાં જવા વિચારી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પ્રિમાવેરા કેપિટલ ગ્રુપના ફાઉન્ડર ફ્રડેનું કહેવું છે કે, ચીન ઘણી બધી આંતરિક બહારી તકલીફોનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ૪૦ વર્ષમાં અમારી સફળતા આર્થિક સુધારાના કારણે થઇ છે. કોઇ વ્યક્તિ વિશેષ વિકાસ મોડલથી થઇ નથી. ન્યુયોર્ક ટાઇમ્સે કહ્યું છે કે, કારોબારીઓ નારાજ દેખાઈ રહ્યા છે. ચીનનો આર્થિક વિકાસ દર વર્ષ ૨૦૧૮માં ૬.૬ ટકા રહ્યો છે જે ૨૮ વર્ષની નીચી સપાટી છે. આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડે કહ્યું છે કે, ૨૦૧૯-૨૦માં ચીનનો વિકાસ દર ૬.૨ ટકાનો રહેવાનો અંદાજ છે.