મસુદ મુદ્દે ચીનનુ ખતરનાક વલણ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ચીનનુ ખતરનાક વલણ ફરી એકવાર સપાટી પર આવ્યુ છે. કારણ કે ત્રાસવાદી હુમલાને વખોડી કાઢવા સાથે સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના વલણને પણ ચીને રોકવામાં ભૂમિકા અદા કરી હતી. ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરના મામલે ચીને વખોડવાલાયક વલણ અપનાવ્યુ છે.  ચીન સાથે સંબંધોને સામાન્ય કરવાના તમામ પ્રયાસો ભારત દ્વારા હમેંશા થતા રહ્યા છે પરંતુ ચીને હમેંશા ભારતના જુદા જુદા પગલા આડે અડચણો ઉભી કરીને તેના ખતરનાક ઇરાદા જાહેર કર્યા છે. દેશમાં અનેક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર કુખ્યાત મસુદ અઝહરના મામલે પણ ચીને હાલમાં જે રીતે વલણ અપનાવ્યુ છે તેના કારણે ત્રાસવાદના મુદ્દે તેની ખતરનાક અને બેવડી નીતિ ખુલ્લી પડી ગઇ છે.

અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશો જ્યારે ત્રાસવાદના મુદ્દે ભારતની સાથે હાથ મિલાવી રહ્યા છે ત્યારે મસુદ મામલે ચીને  થોડાક સમય પહેલા વીટોનો ઉપયોગ કર્યો હતો.  જેના કારણે તે હવે ખુલ્લુ પણ પડી રહ્યુ છે. વિશ્વની સામે રહેલા ત્રાસવાદના સૌથી મોટા પડકારના મામલે પણ ચીન ભારતની સાથે દેખાતુ નથી. ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવા માટે ચીન પાકિસ્તાન પર ક્યારેય દબાણ લાવતુ નથી. તે મિત્ર દેશ પાકિસ્તાન પર મસુદ મામલે પણ તે કોઇ વાત કરતુ નથી. આવી સ્થિતીમાં જ્યારે દુશ્મનાવટભર્યું વલણ છોડવા માટે તૈયાર નથી ત્યારે વારંવાર તેની સાથે મિત્રતા વધુ મજબુત કરવાની વાત કરવી ભારત માટે યોગ્ય દેખાતી નથી. સમગ્ર વિશ્વને હચમચાવી રહેલા અને દહેશત ફેલાવનાર ત્રાસવાદના મુદ્દે પણ ચીન ભારતની સાથે સહકાર કરવા માટે તૈયાર નથી ત્યારે આવી સ્થિતીમાં તેની સાથે સંબંધ મજબુત કરવા અને વિશ્વાસ રાખવાની બાબત ભારત માટે યોગ્ય દેખાતી નથી. ચીનને લઇને હજુ સાવધાન રહેવાની જરૂર છે. ચીન જ્યારે તેનુ વલણ બદલવા માટે તૈયાર નથી ત્યારે ભારતે તેની સાથે વિશ્વાસના સંબંધ આગળ વધારે તે બાબત ગળે ઉતરતી નથી. પડોશી દેશો સાથે સંબંધ સારા કરવા અને મજબુત બનાવવાની પહેલનો કોઇ વિરોધ કરી શકે નહી પરંતુ વારંવાર વિશ્વાસઘાતની સ્થિતીનો સામનો કર્યા બાદ પણ જરૂર કરતા વધારે દેખાવાની સ્થિતીથી ચોક્કસપણે બચી શકાય છે. થોડાક સમય પહેલા ચીની પ્રમુખ શી ઝિનપિંગ ભારત આવ્યા હતા. ઝિનપિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેર અમદાવાદમાં પણ ગયા હતા. પ્રોટોકોલ તોડીને સાબરમતી નદીના કિનારે હિચકા પર ઝુલતા વાત પણ કરી હતી. દિલ્હી પહોંચ્યા બાદ પણ તેમનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. એવુ લાગી રહ્યુ હતુ કે જ્યારે બન્ને દેશો વચ્ચે તંગ સંબંધો હળવા થવાની શરૂઆત થઇ ગઇ છે.

બન્ને મળીને નવી તાકાત તરીકે ઉભરી શકે છે. વેપાર પણ વધારી શકે છે, સાંસ્કૃતિ આપ લે પણ કરી શકે છે. ત્યારબાદ ભારતીય વડાપ્રધાન મોદી પણ ચીન ગયા હતા. તેમનુ પણ જારદાર રીતે સ્વાગત કરવામાં આવ્યુ ંહતુ. ભેંટ સોગાદોની આપલે થઇ હતી. કેટલાક કરારો પણ થયા હતા. જેથી ફરી એવુ લાગ્યું કે બન્ને દેશો વિશ્વાસ નિર્માણની દિશામાં વધી રહ્યા છે. પરંતુ આવા પ્રયાસોને ચીન કદાચ ભારતની નબળાઇ તરીકે ગણે છે. ચીની પ્રમુખની ભારત યાત્રા પહેલા લડાખમાં ચીની સૈનિકો ઘુસી ગયા હતા. કેટલાક ભારતીય જવાનોને બાનમાં પણ પકડી લીધા હતા. ચીનની ખતરનાક નિતી આ બાબતથી સ્પષ્ટ હતી. બે દેશ જ્યારે જુના વાતોને ભુલીને નવા પ્રકરણની શરૂઆત કરવાની દિશામાં આગળ વધે છે ત્યારે સેના એકબીજાની સરહદમાં ઘુસી જતી નથી. માર્ગો બનાવવામાં આવતા નથી. ચીન એવા તમામ પગલા લેતુ આવ્યુ છે જે તે પહેલા પણ લઇ રહ્યુ ંહતુ. આવી સ્થિતીમાં તેની સાથે વિશ્વાસના સંબંધ ખતરનાક સાબિત થઇ શકે છે. હવે મિડિયામાં જે અહેવાલ આવી રહ્યા છે તે વધારે ખતરનાક છે. મોદીની યાત્રાના સપ્તાહ બાદ જ ભારતીય સરહદ કુદીને ચીની સબમરીન કરાચી પહોંચી હતી. એટલે મિત્રતા ભારતની સાથે અને મદદ પાકિસ્તાનને કરવાની તેની નિતી રહી છે. એકબાજુ ભારતીય અધિકારી ચીની હરકત પર નજર રાખવાનો દાવો કરી રહ્યા છે ત્યારે ચીન આંખમાં ધુળ નાંખીને અમારી દરિયાઇ સરહદમાંથી પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.

પડોશી દેશ ચીન સાથે સંબંધ સુધારવાની બાબત ખોટી નથી પરંતુ તેની સાથે સાવધાની ખુબ જરૂરી છે. ચીન પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાના મામલે અમે ભુતકાળમાં ભારે કિંમત ચુકવી ચુક્યા છીએ. ભવિષ્યમાં આવી ભુલ ન થાય તે જરૂરી છે. તેને સાવધાન કરવામાં આવે તે પણ જરૂરી છે. પાકિસ્તાનમાં રહેલા ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરના મુદ્દે કોઇ કાર્યવાહી નહી કરવા પાછળ પણ કેટલાક હેતુ રહેલા છે. તે પાકિસ્તાનમાં કેટલાક પ્રોજેક્ટ સાથે આગળ વધી રહ્યુ છે. આવી સ્થિતીમાં પોતાના નજીકના વિશ્વાસુ પાકિસ્તાન સામે કોઇ દબાણ લાવવાની નીતિ અપનાવવા ચીન તૈયાર નથી. ત્રાસવાદ સામેની જંગમાં આ પ્રકારના દેશો એક સાથે આવી રહ્યા નથી જેથી ત્રાસવાદીઓ વારંવાર કોઇને કોઇ દેશના લોકોને ટાર્ગેટ બનાવે છે.

Share This Article