ચીનમાં પણ માંગખુટ તોફાને ભારે નુકસાન કર્યું : લાખોને માઠી અસર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

બેજિંગ: ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં ભારે તારાજી સર્જયા બાદ વિનાશકારી માંગખુટ તોફાનની અસર હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે, સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ફિલિપાઈન્સ અને હોંગકોંગમાં ભારે નુકસાન પહોંચ્યા બાદ આ વિનાશકારી વાવાઝોડું હવે ચીન પહોંચી જતા ત્યાં પણ લોકોને માઠી અસર થઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ૨૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આ તોફાનના કારણે ફિલિપાઇન્સમાં મોતનો આંકડો વધીને હવે ૬૨ ઉપર પહોંચી ગયો છે.

તોફાનના કારણે જિયાંગમેન શહેરના દરિયાકાઠાના વિસ્તારોમાં અસર જાવા મળી રહી છે. અહીં ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હજુ સુધી ૨૪.૫ લાખ લોકોને વિસ્તારમાંથી સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. આવી જ રીતે ૪૮૦૦૦થી વધારે માછીમારોની નોકાને પાછી બોલાવી લેવામાં આવી છે. ૨૯૦૦૦થી વધારે નિર્માણ સ્થળો પર કામગીરીને રોકી દેવામાં આવી છે. ૬૩૨ સ્થળોને  પર કામને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે ચીનના બે વિમાનીમથક પર ૪૦૦ ફ્લાઇટોને રોકી દેવામાં આવી છે. ૩૭૭૭ ઇમરજન્સી સેન્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ૧૦૦૦થી વધારે લાઇફ બોટ તૈયાર રાખવામાં આવી છે. બચાવ ટીમો પણ પહેલાથી જ તૈયાર રાખવામાં આવી છે.

ચીનના બે વિમાની મથક ઉપર ફ્લાઇટોને રોકી દેવામાં આવી છે જ્યારે દરિયાકાંઠાના રિસોર્ટ અને સ્કુલોને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ, હેનાન અને ગ્વાક્સી જુવાંગ વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે. અહીં ભારે વરસાદ થઇ રહ્યો છે. હેનાન પ્રાંતમાં પ્રવાસી વિભાગે તમામ પ્રવાસી સ્થળો, સ્કુલો, આઉટડોર બિઝનેસને સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગ્વાંગડોન્ગમાં પણ આવા જ નિર્ણય કરવામાં આવ્યા છે. ગ્વાંગડોન્ગમાં સિવિલ વિભાગે ઇમરજન્સી સેન્ટરો ખોલી દીધા છે. બીજી બાજુ શાંઘાઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ ફાઈનાન્સિયલ હબ હોંગકોંગમાં સાફસફાઈ કામગીરી ચાલી રહી છે.

હાલના વર્ષોમાં સૌથી પ્રચંડ તોફાન પૈકી એક ત્રાટક્યા બાદ જનજીવન ખોરવાયેલું છે પરંતુ હવે જનજીવનને પાટા ઉપર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ફાઈનાન્સિયલ માર્કેટ અને ઓફિસોમાં કામગીરી શરૂ થઇ છે. સુપર વાવાઝોડુ માંગખુટ પ્રચંડ તાકાત સાથે ત્રાટકતા હાલત કફોડી બની હતી. ૨૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાતા લોકો અટવાઈ પડ્યા હતા. ફિલિપાઈન્સમાં ૭૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. હોંગકોંગ અને મકાઉના જુદા જુદા ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બીજી બાજુ ચીનમાં પણ સૌથી વધારે વસ્તી ધરાવતા ગ્વાંગડોંગમાં ચાર લોકોના મોત થયા છે. પુરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

ગ્વાંગડોંગમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સાફ સફાઈ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે. પરિવહન સેવા હજુ પણ હોંગકોંગ અને અન્ય વિસ્તારોમાં ખોરવાયેલી છે. મકાઉમાં ગયા વર્ષે પણ વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ભારે નુકસાન થયું હતું પરંતુ આ વખતે પહેલાથી જ સાવચેતી રાખવામાં આવી હતી. ૧૦ સૌથી મોટા તોફાનો પૈકીના એક તરીકે માંગખુટને ગણવામાં આવે છે. ૧૯૪૯ બાદથી દક્ષિણ પુર્વ ચીનમાં ૧૦ વાવાઝોડા ત્રાટકી ચુક્યા છે જે પૈકી માંગખુટને સૌથી વિનાશક ગણવામાં આવે છે. ૧૬૨ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાતા અનેક મકાનોના બારી બારણા તુટી ગયા હતા. ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું. ફિલિપાઈન્સ બાદ ચીનમાં પણ તેની વ્યાપક અસર જાવા મળી છે. પ્રાંતિય હવામાન વિભાગ તરફથી મિડિયા મારફતે તોફાનને લઇને માહિતી આપવામાં આવી છે. લોકોને ફોન પર એલર્ટ સંદેશા મોકલવામાં આવી રહ્યા છે.

Share This Article