તાજેતરમાં ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્ય રીટાબહેન ઉપસ્થિતિમાં એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ પ્રા. લિ.ના આર્થિક સહયોગની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિયેશન, ક્રીડા-ભારતી, ગુજરાત પ્રાંત અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સહકારથી જે અંડર-11 એથ્લેટિક્સ મીટ થશે એમનું પોસ્ટર વિમોચન કરાયું
11 ઈવેન્ટમાં વિજેતા થનાર 1056 વિદ્યાર્થીઓને 22 લાખ રૂપિયાની ઈનામી રાશી અને DLSS પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક પ્રાપ્ત થશે
આવનારી ઓલિમ્પિક માટે આજનાં બાળકોને તૈયાર કરવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022થી અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 4 તા. 09 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિયેશન, ક્રીડા-ભારતી ગુજરાત
પ્રાંત અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો છે.
અંડર-11 એથ્લેટિક્સ માં અંડર-11 અને અંડર-9 ભાઈઓ અને બહેનો એમ ચાર કેટેગરીમાં કુલ 11 એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન થયું છે, જેમાં 400 મીટર, 200 મીટર, 100 મીટર, 60 મીટર, 60 મીટર હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રોનો સમાવેશ થાય છે. આ તમામ સ્પર્ધાઓમાં કુલ 1056 વિજેતાઓને 22,00,000/- ની ઇનામી રાશિની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લેવાતી DLSS પ્રવેશ પરીક્ષા માટે સીધી તક પ્રાપ્ત થશે
આ એથ્લેટિક્સ મીટમાં ભાગ લેવા માટે બાળ ખેલાડીઓ અને વાલીઓ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઈટ www.cugujarat.ac.in ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 28 નવેમ્બરથી 25 ડિસેમ્બર, 2025 વચ્ચે કરી શકાશે.
2030 ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે અને 2036ના ઓલિમ્પિક ગેમ્સની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્યના બાળખેલાડીઓમાં ઓલિમ્પિક ગેમ્સ માટેની ક્ષમતા અને ખેલભાવનાનો વિકાસ થાય તે હેતુથી વર્ષ 2022થી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંડર- 11 એથ્લેટિક્સ મીટનો આ ચોથો સંસ્કરણ છે, જેમાં રાજ્યભરના 10 હજારથી વધુ બાળ ખેલાડીઓ ભાગ લેશે એવી આશા છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (મૅ), જે ગાંધીનગર, ગુજરાતમાં આવેલી છે, તે ૨૦૦૯ માં સ્થપાયેલી એક રાજ્ય યુનિવર્સિટી છે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે સંશોધન અને તાલીમ તેમજ તેમને સહાયક વાતાવરણ પૂરું પાડવા માટે સમર્પિત ભારતની પ્રથમ યુનિવર્સિટી છે અને તે બાળ મનોવિજ્ઞાન, શિક્ષણ અને બાળ કલ્યાણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
