સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે સીએેમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અધિકારીઓ સાથે કામગીરીની તૈયારીનું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું અને ટેન્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમા ભારત દેશની એકતાનો પરિચય આપે છે.
વિશ્વભરના લોકો તેને નિહાળવા અહીં આવશે ત્યારે વિદેશી મહેમાનો માટે પણ ટુરીઝમના દ્રષ્ટિકોણથી ખાસ વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર છે. જેનું લોકાર્પણ ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્રમાંથી અને રાજ્યની સચિવોની તમામ ટીમોએ આવી જરૂરી કામગીરીનું નિદર્શન કરી રિપોર્ટ મુખ્ય મંત્રીને આપ્યો હતો. હવે તૈયારીના આખરી ઓપની સમીક્ષા કરવા સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લેવા કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીની વિઝીટ કરી જરૂરી તમામ માહિતી મેળવી હતી. દેશના રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડ સ્કેપ વોલ ઓફ યુનિટી અને ૧૭ કી.મી લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાત નિરીક્ષણ કરીને વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વિગતો મેળવી હતી આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન સાઇટ અને ફૂડ કોર્ટ વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ ડો. જે. એન.સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.