ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’ પુરોહિત શાહનાં ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ તારીખ 16 એપ્રિલ 2025 નાં દિવસે નવા સચિવાલયના નર્મદા હોલ ખાતે યોજાઈ ગયો.
‘સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત રહેલી છે. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે છે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે અને સમાજમાં જનચેતનાના માધ્યમથી જાગૃતિનો સંચાર થાય છે,’ આ સાથે વધુમાં જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘‘મુઝ મેં મિથિલા બસ ગયા’ પુસ્તક યાત્રા સાહિત્ય છે. આ પુસ્તક આપણી ભાષાના યાત્રા સાહિત્યની વિરાસત અનુભૂતિ છે. ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું મૂલ્ય વિશેષ હોય છે. જ્યારે પણ આપણે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લઈએ છીએ ત્યારે પ્રવાસની સાથે અંતરમનથી અનુભૂતિ કરીએ છીએ. દરેક સ્થળ અનુભવ-અનુભૂતિનું અનોખું માધ્યમ હોય છે.’


કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીધર પરાડકરે જણાવ્યું હતું કે, ‘જ્યારે એક સાહિત્યકાર દ્વારા વિશેષ મહત્વ ધરાવતા કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી તેનું લેખન રચાય ત્યારે એમાં તથ્યોની સમજ સાથે સામાન્ય માનવીની પણ સમજણ વિકસે છે. ડૉ. ખ્યાતિ પુરોહિત લિખિત ‘મુઝ મેં મિથિલા બસ ગયા’ પુસ્તક પણ આવું જ સાહિત્ય છે. ડૉ. ખ્યાતિએ બિહાર-નેપાળનાં દરેક સ્થાનોને આંખોથી નહીં હૃદયથી જોયાં અને જીવ્યાં છે, તેમનું સંવેદનશીલ અને સચોટ વર્ણન આ પુસ્તકમાં અભિવ્યક્ત થયું છે’
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2022માં આયોજીત સાહિત્ય સવર્ધન યાત્રામાં ભારતભરથી તેર લેખક, પત્રકાર, સાહિત્યકારની બિહાર-નેપાલ યાત્રા માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં અમદાવાદનાં ડો. ખ્યાતિનો પણ સમાવેશ થયો હતો. આ યાત્રામાં ડો. ખ્યાતિએ ‘રામસર્કિટ’ અંતર્ગત બિહાર તેમજ નેપાળનાં એવાં સ્થાનોની યાત્રા કરી જ્યાં માતા સીતા અને પ્રભુ શ્રીરામનાં જીવન સાથે જોડાયેલાં પ્રસંગોનું વર્ણન રામાયણમાં મળે છે. હલેશ્વરધામ – જ્યાં રાજા જનકને હળ ખેડતી વખતે કરંડિયામાંથી માતા સીતા બાળ સ્વરૂપે મળ્યાં હતાં, સીતામઢી – રાજા જનક અને રાણી સુનયના બાળ સીતાને લઈને સૌ પ્રથમ સીતામઢી લઈ આવ્યા હતા, ફૂલહર – જ્યાં માતા સીતા શંકર ભગવાનની પૂજા કરવાં ગયાં હતાં અને ત્યાં પ્રભુ શ્રીરામ સાથે પ્રથમ નેત્રમિલન થયાં હતાં, ધનુષા – જ્યાં પ્રભુ શ્રીરામે ધનુષ ભંગ કર્યું હતું, જનકપુર – જ્યાં માતા સીતા અને પ્રભુ શ્રીરામનાં વિવાહ થયા હતા, પંથપાકડ – જ્યાં વિવાહ બાદ પ્રભુ શ્રીરામ અને માતા સીતાએ પ્રથમ રાત્રિ રોકાણ કર્યું હતું, અહિલ્યા સ્થાન – જ્યાં પ્રભુ શ્રીરામે માતા અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. આ ઉપરાંત ડો. ખ્યાતિએ દરભંગા સ્થિત શ્યામામાઈ મંદિરની મુલાકાત પણ લીધી હતી જ્યાં સમશાનની ભૂમિ પર માતાનું મંદિર છે અને લોકો શુભ પ્રસંગોએ માતાના આશીર્વાદ માટે જાય છે.


લેખિકા વિશે
લેખિકા ડો.ખ્યાતિ પત્રકાર તેમજ અધ્યાપિકા તરીકે કાર્યરત છે. તેઓ આકાશવાણી અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ‘મન કી બાત’ કાર્યક્રમના અનુવાદ સાથે જોડાયેલાં છે. વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાં પત્રકારત્વ અને હિન્દી ભાષા સાહિત્ય ભણાવે છે. ઉપરાંત ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નિર્માણ પામી રહેલાં મ્યુઝિયમ્સ માટે લેખન કાર્ય કરે છે. આ સાથે તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમનાં મંત્રી અને પ્રાંત-કાર્યકારિણી તરીકે સેવા આપી રહ્યા છે. વર્ષ 2023નો ‘કાકાસાહેબ કાલેલકર રાષ્ટ્રીય પત્રકાર સન્માન’ થી તેમને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતાં.