આઇએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને જામીન મળી ગયાના એક દિવસ બાદ જ તેઓ આજે સવારેસંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સંસદ પહોંચી ગયા હતા. ચિદમ્બરમ સંસદ પહોંચી જતા તેમની ચર્ચા રાજકીય વર્તુળોમાં વધારે જોવા મળી રહી હતી. તમામની નજર પણ તેમના પર જ કેન્દ્રિત રહી હતી. કેસમાં તેમને બુધવારના દિવસે જામીન મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાગુ કરી હતી. જેમાં તેની પરવાનગી વગર વિદેશ ન જવા અને જાહેરમાં કોઇ નિવેદન ન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ગઇકાલે જ જેલમાંથી બહાર નિકળ્યા બાદ ચિદમ્બરમે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે તેમની સામે કોઇ આરોપ નક્કી ન કરાયા હોવા છતાં તેમને ૧૦૬ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. હવે ચિદમ્મબરનુ વલણ કેવુ રહે છે તેમના પર રાજકીય પંડિતોની નજર રહેનાર છે. આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાંપ્રઘાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે આખરે શરતી જામીન આપી દીધા હતા. આઈએનએક્સ મિડિયા ગ્રુપને ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયા વિદેશી ફંડ મેળવવાના સંદર્ભમાં અનિયમિતતા જોવા મળી હતી.
એવું જાણવા મળ્યું હતું કે, ફંડ માટે મંજુરી આપવામાં એફઆઈપીબીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. એ વખતે નાણામંત્રી તરીકે પી ચિદમ્બરમ હતા. સીબીઆઈએ મે ૨૦૧૭માં ચિદમ્બરમની સામે એફઆઈઆર દાખલ કરી હતી. છેલ્લા ૧૦૬ દિવસથી ચિદમ્બરમ કસ્ટડીમાં હતા. તેમની અનેક વખત પુછપરછ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે મિડિયા ગ્રુપને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવા સાથે સંબંધિત છે. તે ગાળામાં ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. આઇએનએક્સ મિડિયાને એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેમના પુત્ર કાર્તિની દરમિયાનગીરીના આધારે આ મંજુરી અપાઈ હતી.
જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સીધીરીતે ચિદમ્બરમના પુત્રની કંપનીઓ રહેલી છે. યુપીએ-૧ સરકારના ગાળામાં નાણામંત્રી તરીકે એફઆઈપીબીએ બે એકમોને મંજુરી આપી હતી. આઈએનએક્સ મિડિયા મામલામાં સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે કેસ દાખલ કર્યો હતો. આમા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચિદમ્બરમની અવધિ દરમિયાન ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ મેળવનાર કંપનીને મંજુરી મળી હતી.