નવીદિલ્હી : દિલ્હીની એક અદાલતે આઈએનએક્સ મિડિયા કેસમાં આરોપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની સીબીઆઈની કસ્ટડીની અવધિ બીજી સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. સીબીઆઈ દ્વારા રાઉજ એવેન્યુ કોર્ટથી ચિદમ્બરમની કસ્ટડીને પાંચ દિવસ વધારવાની માંગણી કરી હતી. તપાસ સંસ્થાએ કહ્યું હતું કે, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ તપાસમાં બિલકુલ સહકાર આપી રહ્યા નથી. ગોળ ગોળ જવાબ ચિદમ્બરમ આપી રહ્યા છે જેથી બીજા આરોપીઓની સાથે તેમનો સામનો કરાવવાની જરૂર છે. બીજી બાજુ ચિદમ્બરમના વકીલે કહ્યું હતું કે, તેમને ૪૦૦ સવાલો પુછવામાં આવી ચુક્યા છે.
કોર્ટે સીબીઆઈને કહ્યું હતું કે, તમે દરરોજ પાંચ દિવસની કસ્ટડી કેમ માંગી રહ્યા છે. એક સાથે ૧૫ દિવસની કસ્ટડી કેમ માંગી રહ્યા નથી. પી ચિદમ્બરમને આજે સઘન સુરક્ષા વચ્ચે રાઉજ એવેન્યુ કોર્ટમાં ખાસ જજ અજયકુમાર સમક્ષ ઉપÂસ્થત કરવામાં આવ્યા હતા. તેઓ પહેલાથી જ ૮ દિવસથી સીબીઆઈની કસ્ટડીમાં હતા. ૨૦મી ઓગસ્ટના દિવસે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચિદમ્બરમની જામીન અરજીને ફગાવી દીધા બાદથી સીબીઆઈએ ૨૧મી ઓગસ્ટના દિવસે તેમની ધરપકડ કરી હતી. તે વખતે કોર્ટે તેમને ૨૬મી ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં પુછપરછ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ કસ્ટડીને ચાર દિવસ વધારીને ૩૦મી ઓગસ્ટ કરવામાં આવી હતી. આજે તેમની કસ્ટડીને બીજી સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાના નિચલી કોર્ટના આદેશને પડકાર ફેંકીને અરજી પર બીજી સપ્ટેમ્બરે સુનાવણી થશે. ત્યારબાદ ચિદમ્બરમના વકીલોએ પોતે જ કહ્યું હતું કે, તેઓ પોતે બીજી સપ્ટેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં રહેવાની ઓફર કરી રહ્યા છે.
સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જાવા મળી હતી.
સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જાકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. સીબીઆઈ કસ્ટડી ચિદમ્બરમની સતત વધી રહી છે જેના લીધે તેમને હાલ કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. ઇડી દ્વારા પણ ચિદમ્બરમની પુછપરછ માટેની રજૂઆત કરવામાં આવી ચુકી છે.