અમદાવાદ : છઠ પૂજા માટે તૈયાર કરવામાં આવેલા આકર્ષક ઘાટનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના લોકોને છઠ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટી ભેંટ આપી હતી. મુખ્યમંત્રીએ શહેરમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે પૂજા માટે તૈયાર કરવામાં આવેલા ઘાટનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળીને અઢી કિલોમીટર લાંબા છઠ પૂજા ઘાટને તૈયાર કરવામાં આવ્યો છે.
રૂપાણીએ ગયા વર્ષે ગુજરાતમાં રહેનાર બિહારીઓની છઠ પૂજા માટે આની જાહેરાત કરી હતી. ૧૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ઘાટને લઇને શ્રદ્ધાળુઓ છેલ્લા ઘણા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. ઇન્દિરા બ્રિજ પર છઠ પૂજાનું આયોજન દર વર્ષે શાનદારરીતે કરવામાં આવે છે. નવનિર્મિત ઘાટ પર આશરે ૧૦૦૦ છઠવ્રત કરનાર લોકો નદીમાં પૂજા માટે ઉભા થઇ શકશે. છેલ્લા ૧૫ વર્ષથી અહીં છઠ પુજાનું આયોજન કરવામાં આવે છે. ઘાટનું નિર્માણ થયા બાદ હવે વધુને વધુ લોકો ઉજવણીમાં ભાગ લઇ શકશે.
ગુજરાત તરફથી છઠ પુજાના અવસર પર ઉત્તર ભારતીય લોકોને મોટી ભેંટ મળી ગઈ છે. ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આજે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ દેખાયો હતો. આ ઘાટની લંબાઈ ૩૦૦ મીટરની આસપાસ છે. શહેરમાં રહેતા છત્તીસગઢ, બિહાર અને પૂર્વીય ઉત્તરપ્રદેશના લોકો અહીં દર વર્ષે છઠ મહાપર્વની ઉજવણી કરે છે. ભારે ભીડ અને લોકોની આસ્થાને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકા અને ટ્યુરિઝમ વિભાગ દ્વારા આકર્ષક ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. મેયર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.