ભારતભરમાં અલગ અલગ ધર્મોના લોકો રહે છે, એટલે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ભારતમાં દરેક ધર્મના તહેવાર ઉજવાતા હોય છે. હિન્દુઓની દિવાળી હોય કે મુસ્લિમોની ઇદ, ખ્રિસ્તીઓની ક્રિસમસ કે સિંધીઓની ચેટીચાંદ.
સિંધી સમુદાયનો તહેવાર એટલે ચેટીચાંદ. ભગવાન જુલેલાલનો જન્મદિવસ એટલે ચેટીચાંદ. સિંધી સમુદાય ચેટીચાંદને હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવે છે.આ તહેવાર સાથે અલગ અલગ વાર્તાઓ જોડાયેલી છે પણ સિંધી સમુદાય વ્યાપાર સાથે સંકળાયેલો છે એટલે જ્યારે જ્યારે તેમણે જળમાર્ગ દ્રારા માલ-સામાન લઇને જવું પડતું ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.જેમકે સમુદ્રી તુફાન, સમુદ્રી ડાકુઓ માલ-સામાન લુંટતા હતા. જ્યારે સિંધી પુરુષ યાત્રા માટે નીકળે ત્યારથી સિંધી મહિલાઓ વરુણદેવની સ્તુતિ કરવા માંડતી અને સુરક્ષા માટે બાધાઓ રાખતી. ભગવાન જુલેલાલ જળના દેવતા છે અને સિંધીઓના આરાધ્ય દેવ છે એટલે જ્યારે ઘરનો પુરુષ સુરક્ષિત ઘરે પાછો આવી જાય ત્યારે ચેટીચાંદને ઉત્સવની જેમ મનાવવામાં આવતો હતો. જમણવાર પણ કરવામાં આવતો.
આઝાદી પછી જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને અર્ધો સિંધી સમુદાય ભારતમાં આવી ગયો ત્યારે બધું જ વિખેરાઇ ગયું. 1952માં પ્રોફેસર રામ પંજવાનીએ સિંધી લોકોને સાથે લાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. તે દરેક જગ્યાએ ગયા જ્યાં સિંધી લોકો રહેતા હતા અને બધાને ભેગા કર્યા. તેમના પ્રયાસોના લીધે ફરીથી ભગવાન જુલેલાલના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી થવા લાગી. માટે આખો સમૂદાય પ્રોફેસર રામ પંજવાનીનો આભારી છે.