ચેન્નાઈ અને અન્ય ભાગોમાં આજથી ભારે વરસાદ પડશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચેન્નાઈ :  તમિળનાડુના પાટનગર ચેન્નાઈ દરિયા કાંઠેથી આશરે ૭૩૦ કિલોમીટરના અંતરે સ્થિત ચક્રવાતી વાવાઝોડુ ગાજા પહોંચ્યું છે અને ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. આવતીકાલથી તમિળનાડુના ઉત્તરીય વિસ્તારો અને ચેન્નાઈમાં ભારે વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. ગુરુવારના દિવસે નાગાપટ્ટનમ અને ચેન્નાઈ વચ્ચે જારદાર વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આવતીકાલથી જ તમિળનાડુના ઉત્તરીય વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઇ જશે. બુધવારે પણ વરસાદી માહોલ અકબંધ રહેશે. ચક્રવાતી વાવાઝોડાના પરિણામ સ્વરુપે ૩૫થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. આગામી ૧૨ કલાકમાં આંદામાન દરિયામાં ન જવા માછીમારોને કહેવામાં આવ્યું છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માછીમારોને સાવચેતી રહેવા કહેવામાં આવ્યું છે.

વાવાઝોડાની અસરને ટાળવા તમિળનાડુ, પોંડીચેરી અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓની નિયમિતરીતે બેઠક થઇ રહી છે. બંગાળના અખાત પર ચક્રવાત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે બંગાળના અઘાત ઉપર ફરીવાર તોફાનનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સિસ્ટમ ઉત્તર તમિળનાડુના ઉપરથી પસાર થઇ શકે છે. દક્ષિણ પૂર્વ અને મધ્ય બંગાળના અખાત પર સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના લીધે ચક્રવાતી તોફાન ગાજામાં પરિવર્તિત થઇને તે આગળ વધી શકે છે.

તેનું કેન્દ્ર પૂર્વ મધ્ય, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં છે. દરિયામાં ન જવા માટે માછીમારોને કહેવામાં આવ્યું છે. દક્ષિણ પૂર્વ બંગાળના અખાત અને તેની સાથે જાડાયેલા ઉત્તર આંદામાન ઉપરથી ઓછા દબાણવાળા ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તરની તરફ આગળ વધીને તમિળનાડુ, આંધ્રપ્રદેશમાં વરસાદ કરી શકે છે. તમિળનાડુના દરિયાકાંઠાના વિસ્તારો અને આંધ્રપ્રદેશમાં ૧૪ અને ૧૫મી નવેમ્બરના દિવસે ભારે વરસાદ થઇ શકે છે. મોસમ વિભાગના કહેવા મુજબ ૧૪મી નવેમ્બરના દિવસે તમિળનાડુ, પોંડીચેરીમાં વરસાદ પડી શકે છે.

 

Share This Article