મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ ૨૬ જૂન-મંગળવારથી છ દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે જશે. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે.
મુખ્યમંત્રી સાથે કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઇઝરાયલ જઇ રહ્યું છે. મુખ્યમંત્રી અને આ પ્રતિનિધિમંડળના સમગ્ર ઇઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેવાનો છે.
ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધોના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની આ ઇઝરાયલ મુલાકાત સવેળાની અને મહત્વપૂર્ણ બની રહેશે.
વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઇઝરાયલ જઇ રહેલ આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે તથા ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલઆઇ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઇન ગુજરાત’ના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે.
ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર એ ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગીદારીનું મહત્વનું ક્ષેત્ર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેની પૂર્તતા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તેવા સમયે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળની આ મહત્વપૂર્ણ ઇઝરાયલ મુલાકાત યોજાઇ રહી છે.