ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા થતી ભરતીમાં અનામત વર્ગના ઉમેદવારની નિમણૂક પહેલા જાતિના પ્રમાણપત્રોની ખરાઈની માગણી કરતી જાહેરહિતની રિટ બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જીપીએસસીને કારણદર્શક નોટિસ પાઠવી છે.
જાહેર હિતની રિટમાં ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને વી.એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે જીપીએસસની ભરતીમાં નિમણૂક પહેલા અનામત વર્ગના ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરી લેવામાં આવે તે ઘણાં લાયક ઉમેદવારોના હિતમાં છે. કોર્ટે આ મામલે સરાકરને નોટિસ પાઠવી જરૂરી નિર્દેશોની ભલામણ સાથે હાજર રહેવાનું સૂચન કર્યુ છે.
જીપીએસસીની ભરતીમાં અનામત વર્ગના ઉમેદવારની નિમણૂક પછી તેમના જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવતી હોવાથી ઘણાં કિસ્સાઓમાં તે પ્રમાણપત્ર અમાન્ય ઠરે તો તે ઉમેદવારની ભરતી રદ કરવામાં આવે છે. જેના કારણે બાકીના લાયક ઉમેદવારો નિમણૂકથી વંચિત રહે છે ઉપરાંત હવેની ભરતીમાં વેઇટિંગ લિસ્ટની વ્યવસ્થા ન હોવાથી તે જગ્યા ખાલી પડી રહે છે.