અમદાવાદ : થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ એક લાખ ગ્રાહકોનું ૨૫૬ કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં વધુ બે ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. બીજીબાજુ, સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવી છે. જેમાં સેકટર-૧ના સંયુકત પોલીસ કમિશનરના વડપણ હેઠળ ત્રણ આઇપીએસ અધિકારીઓને સમાવાયા છે.
એટલું જ નહી, સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી સચિન બાદશાહની આગેવાની હેઠળ હવે સીટ દ્વારા આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરાશે. બીજીબાજુ, રાજયના ગૃહવિભાગે પણ કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ રાજયના જિલ્લા પોલીસ વડાઓને આ મલ્ટી લેવલ માર્કેટીંગ વિશે તપાસ કરવા અને ગેરકાયદે ચાલતી આવી કંપનીઓની વિગતો એકત્ર કરવા સૂચના જારી કરી છે. આ કૌભાંડમાં વિનય શાહ અને ભાર્ગવી સહિત હવે ગ્રાહકો દ્વારા તેમનાં એજન્ટોનાં નામ પણ સામે આવ્યાં છે. નિકોલ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિનય અને તેના બે એજન્ટો વિરુદ્ધમાં પણ ફરિયાદ થઇ છે. પોલીસે આજે તેની થલતેજ ખાતેની બે ઓફિસો પણ સીલ કરી હતી. કરોડો રૂપિયાનુ ફુલેકું ફેરવનાર વિનય તેની પત્ની સહિત એજન્ટ દાનસિંહવાળા તેના પરિવાર સાથે રફુચક્કર થઇ ગયો છે ત્યારે એક મહિલા એજન્ટ પ્રગતિ વ્યાસ અને મુકેશ સોની પણ નાસી ગયો છે.
ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના કૌભાંડને લઇને બાપુનગરમાં રહેતી અમિત વ્યાસ નામની વ્યકિતએ બે મહિના પહેલાં ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટને ફરિયાદ કરી હતી જોકે હજુ ક્રાઇમ બ્રાંચે આ ફરિયાદ પર કોઇ કામગીરી નહીં કરતાં અનેક સવાલ ઊભા થયાં છે. પાલડીનાં યુનિયન ફ્લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતાં. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ૨૫૬ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. દિવાળીના સમયે કેટલાક ગ્રાહકોએ રૂપિયા આપવાનું કહીને બોલાવ્યાં હતાં. જો કે બંને જણાએ કોઇને રૂપિયા નહીં આપતા ગઇકાલે પ૦૦ કરતા વધુ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ગઇકાલે ૧પ કરતા વધુ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરવા માટે ગયા હતા જ્યાં પોલીસે મોડી રાતે વિનય અને ભાર્ગવી વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી.
વિનય શાહે રાજ્યમાંથી એક લાખ ગ્રાહકો પાસેથી ર૬૦ કરોડ રૂપિયા ઉઘરાવી દીધાં હતાં. ગ્રાહકોને રૂપિયા નહીં આપતાં વિનય શાહ નાસી ગયો હતો જેમાં બે દિવસ પહેલાં ભાર્ગવીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ કરી હતી. ભાર્ગવીએ જાણવાજોગ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારી, પત્રકારો અને નેતાઓ હેરાન કરતા હોવાથી તેઓ ગુમ થયા છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને ભાર્ગવી વિરુદ્ધમાં પાર્થ પરમાર નામના યુવકે ફરિયાદ કરી છે ત્યારે નિકોલમાં અમિત વ્યાસ નામના યુવકે વિનય શાહ અને મુકેશ સોની નામના એજન્ટ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં પોલીસનાં હાથે હજુ સુધી કશું જ લાગ્યું નથી. વિનય અને ભાર્ગવી બાદ એજન્ટ દાનસિંહ વાળા તેમનાં પરિવાર સાથે નાસી ગયો છે. ત્યારે એજન્ટ પ્રગતિ વ્યાસ અને મુકેશ સોની પણ ફરાર થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વિનય શાહ ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ વિરુદ્ધમાં તોડ કરવાના આક્ષેપ કરતી કથિત સ્યુસાઇડ નોટ વાઇરલ કરીને ફરાર થઇ ગયો છે ત્યારે હવે સમગ્ર મામલામાં પોલીસ કમિશનરે સીટની રચના કરતાં તેની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.